November 22, 2024

નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, જૂજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થયો

જીગર નાયક, નવસારી: વરસતા વરસાદે દક્ષિણ ગુજરાતના પટ્ટાને લીલોછમ અને હરિયાળો બનાવી દીધો છે. હજી પણ મેઘરાજા અટકવાનું નામ નથી લઈ રહ્યા. જેના કારણે નદી નાળા અને ડેમો છલકાઈ ગયા છે. આજે કેલીયા ડેમની સપાટી 113.45 મીટરને આંબી જતા કેલીયાડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ભરાવવાને લઈને 19 ગામોની ખેતીને લાભાલાભ થશે જોકે ઓવરફલો ને કારણે 23 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. જીવાદોરી સમાન જૂજ અને કેલીયા ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

કેલીયા ડેમ ઓવરફ્લો થતા ની સાથે જ કુલ 23 થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં વાંસદા તાલુકાનું 1 ચીખલી તાલુકાના 16 ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ ડેમમાં 263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. ડેમમાં પાણીની આવક વધતાની સાથે જ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.