આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદનો કહેર, 35 લોકોના મોત; હજારો લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા
Andhra Pradesh flood: આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોમાં પૂરના કારણે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ગઈકાલે, રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રાજ્યોમાં સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી હતી. બંને રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદને કારણે શહેરો મહાસાગર બની રહ્યા છે. રસ્તાઓ પર માત્ર પાણી જ દેખાય છે. ઘણા જિલ્લાઓ કનેક્ટિવિટી અને વીજળી પણ નથી.. હજારો લોકો રાહત શિબિરોમાં છે.
પૂરના કારણે આંધ્રપ્રદેશમાં 19 અને તેલંગાણામાં 16 લોકોના મોત થયા છે, એટલે કે બંને રાજ્યોમાં 35 લોકોના મોત થયા છે. જ્યાં અગાઉ આંધ્રપ્રદેશમાં રાહત અને બચાવ કામગીરી માટે 26 ટીમો તૈનાત કરવામાં આવી હતી. હવે ત્યાં 36 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે 138 બોટ અને 283 નિષ્ણાત તરવૈયા પણ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. પૂરથી પીડિત લગભગ 42 હજાર લોકો માટે 176 રાહત શિબિર બનાવવામાં આવી છે, જેમાં લોકોને ખસેડવામાં આવ્યા છે. અહીં 136 પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા અને રાજ્યમાં 1,72,542 હેક્ટર ડાંગરના પાકને પણ નુકસાન થયું હતું.
મુખ્યમંત્રીએ માહિતી લીધી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતે પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી. તેમણે તમામ કેબિનેટ મંત્રીઓને ઓપરેશન પર નજર રાખવા કહ્યું છે. આ સાથે કેમ્પમાં રાહત સામગ્રી પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેલંગાણામાં પણ આવી જ સ્થિતિ છે. જ્યાં પૂરના કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ તેને કુદરતી આફત ગણાવી હતી. મૃતકોને અપાતી એક્સ-ગ્રેશિયા રકમ 4 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેલંગાણામાં 4000 લોકોને 110 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં 415000 એકર પાકને નુકસાન થયું છે.
50 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ વર્ષે વરસાદે 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બંને રાજ્યોમાં ભારે જાન-માલનું નુકસાન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના વિજયવાડાની બુડામેરુ નદીમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વિજયવાડાના પ્રકાશમ બેરેજમાંથી 11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.