December 23, 2024

જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈને રાજ્યમાં સેનાનો સજ્જડ બંદોબસ્ત, 95000 કમાન્ડો તૈનાત કરાશે

Jammu Kashmir Elections: જમ્મુ કાશ્મીરમાં થનાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના આદેશ પર સુરક્ષા એજન્સીઓ જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્યમાં 95,000 થી વધુ અર્ધ-લશ્કરી દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. કાશ્મીર ક્ષેત્રમાં અર્ધલશ્કરી દળોની લગભગ 500 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ ક્ષેત્રમાં 450 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

ચૂંટણી પંચે MHAની મદદથી જમ્મુ અને કાશ્મીરમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે ખાસ રણનીતિ બનાવી છે. આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની સૂચના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓએ ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જેમાં, જમ્મુ અને કાશ્મીર બંને ક્ષેત્રમાં લગભગ 95 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવશે. આ સાથે આ વિસ્તારમાં પહેલાથી જ તૈનાત અર્ધલશ્કરી દળોની કંપનીઓને રોકી દેવામાં આવશે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા દરમિયાન આ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે, લગભગ 450થી વધુ વધારાની કંપનીઓને બહારથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે તબક્કાવાર મોકલવામાં આવશે.

અનેક રીતે ઐતિહાસિક છે વિધાનસભાની ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યની ચૂંટણીને ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવી રહી છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા ફેરફારો થયા છે. આમાં સૌથી મહત્વપૂર્ણ છે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ થવું.

જેમ જેમ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ રહી છે. શું નેશનલ કોન્ફરન્સ (NC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) કાશ્મીર અને જમ્મુ પ્રદેશોમાં સૌથી મોટા પક્ષો તરીકે ઉભરી આવશે? તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં, NCએ ખીણની ત્રણમાંથી બે બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે જમ્મુની બંને બેઠકો કબજે કરી હતી. જો વિધાનસભાની ચૂંટણીઓમાં સમાન મતદાન પદ્ધતિનું પુનરાવર્તન થાય છે, તો તે કેન્દ્રશાસિત પ્રદેશના ભાવિ રાજકીય લેન્ડસ્કેપને આકાર આપી શકે છે.