Heatwave: નોઇડામાં 24 કલાકમાં મળ્યા 14 મૃતદેહ, હીટસ્ટ્રોકથી મોતની આશંકા
Heatwave: દિલ્હી પાસે આવેલ નોઇડાના જુદા જુદા સ્થળોએથી 14 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. આશંકા સેવવામાં આવી રહી છે કે આ લોકોના મોત લૂ અથવા હીટસ્ટ્રોકને કારણે થયા છે. જોકે, આરોગ્ય વિભાગ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જણાવવાની વાત કરી રહ્યું છે. જોકે, આ મોતોને કારણે લોકોમાં ગરમી અને હીટસ્ટ્રોકને લઈને ફરી દહેશત ફેલાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમીને કારણે લૂ અને હીટસ્ટ્રોકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નોઇડાની વાત કરીએ તો મંગળવારે 18 જૂનના રોજ જુદા જુદા સ્થળોએથી 14 લોકોના શંકાસ્પદ સ્થિતિમાં મોત થતાં હાહાકાર મચી ગયો હતો. કેટલાંક લોકોને પોલીસ દ્વારા તો કેટલાંકને તેમના પરિવારના લોકો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મૃતકોના શરીર પર કોઈપણ પ્રકારના ઇજાના નિશાન નહોતા જોવા મળ્યા. એવામાં શંકા સેવવામાં આવી રહી છે કે આ તમામ લોકોના મોત લૂ અને હીટસ્ટ્રોકને કારણે થઈ હોઇ શકે છે. હાલ તો, આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે. આરોગ્ય વિભાગ હાલ તો આ મામલે નજર રાખી રહ્યું છે.
હાલ તો, આ મામલે નોઇડા જિલ્લા હોસ્પિટલના CMS રેણુ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ગઇકાલે હોસ્પિટલ ખાતે 14 બ્રોડ ડેડના કેસ સામે આવ્યા હતા. કેટલાંકને પોલીસ લઈને આવી હતી તો કેટલાંકને તેમના પરિજનો. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.