December 18, 2024

ગીર સોમનાથ બુલડોઝર એક્શન પર સુપ્રીમમાં સુનાવણી, મુસ્લિમ યુવકનો દાવો સરકારે ફગાવ્યો

Supreme Court on Gir Somnath Bulldozer Action: ગીર-સોમનાથ જિલ્લામાં બુલડોઝર એક્શનને લઈને શુક્રવારે 25 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે જમીન તેને 1903માં આપવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટની છે. ટ્રસ્ટે આ જમીન ઘણા સમય પહેલા સરકારને સોંપી દીધી છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી હતી. અરજદાર ખોટા દાવા કરીને આ મામલે સાંપ્રદાયિક રૂપ આપી રહ્યો છે.

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે હાલ પૂરતી જમીન પોતાની પાસે રાખશે. જમીન હાલ કોઈ ત્રીજા પક્ષને નહીં આપવામાં આવે. આ નિવેદનને રેકોર્ડ પર લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે કોઈ વચગાળાના આદેશની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં પડતર અરજીઓની સુનાવણી ચાલુ રાખે.

1 ઓક્ટોબરે દાખલ કરાઇ હતી કન્ટેમ્પ્ટ પિટિશન
જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. પટણી મુસ્લિમ સમુદાયે 1 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન ફાઇલ કરી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. અરજીમાં દરગાહ મંગરોલી શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનાનો પણ લાગ્યો હતો આરોપ
અવમાનનાની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના બુલડોઝર એક્શન પર પ્રતિબંધ મૂકવાના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબરના રોજ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખડપીઠે બુલડોઝર દ્વારા ડિમોલિશન સામેની અરજીઓની સુનાવણી કરી હતી. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો હતો. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ કાર્યવાહીની નિંદા કરી હતી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.