December 19, 2024

જોખમી હોર્ડિંગ્સ મામલે હાઇકોર્ટમાં સુનાવણી, 74 ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરાયા

જયેશ ચૌહાણ, અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું.

હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ AMCના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર અમદાવાદ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સને લઈને 34 જેટલી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. શહેરમાં કુલ 2136 હોર્ડિગ્સ લાગેલા હતા જેમાંથી 2075 હોર્ડીગ્સ સ્ટેબલ અને સેફ હોવાનું AMC દ્વારા જણાવવામાં આવ્યું છે.

AMCના સોગંદનામાંમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં 12 જેટલા જોખમી હોર્ડિંગ્સ ધ્યાને આવ્યા હતા. જેમાંથી 9 હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય 3 હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુમાં AMCએ જણાવ્યું છે કે 49 સ્થળોએ કોઈ હોર્ડિંગ્સ નથી લાવવામાં આવ્યા. તો સાથે સાથે 74 જેટલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે હવે, AMCના સોગંદનામા પર જવાબ રજૂ કરવા અરજદારને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.