July 1, 2024

સંસ્કારીનગરી વડોદરામાં આરોગ્ય સાથે ચેડાં, માઝાની બોટલમાં મકોડા દેખાયા

દર્શન ચૌધરી, વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી ખાદ્ય પદાર્થો માંથી જીવડા, ઇયળ, વંદા સહિતના જીવજંતુઓ મળી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ગઇકાલે અથાણાં માંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી હતી. તો થોડા દિવસો પહેલા ભાવનગરમાં વેફરના પડીકાં માંથી દેડકો મળી આવ્યો હતો. ત્યારે, હવે વડોદરાથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં માઝા કોલ્ડ ડ્રિંકની બોટલમાંથી મકોડા મળી આવ્યા છે. જેને લઈને શહેરીજનોના સ્વાસ્થ્ય પર ફરી એકવાર સવાલ ઊભો થયો છે.

 

વડોદરામાં માઝાની બોટલમાં મકોડા દેખાયા
વડોદરામાં આવેલ કીર્તિ સ્થંભ પાસે આવેલ મહાકાળી સેવઉસળની દુકાનમાં માઝાની બોટલ માંથી મકોડા મળી આવ્યાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પરિવાર સાથે સેવઉસળ ખાવા ગયા હતા તે વખતે આ ઘટના સામે આવી હતી. એક ગ્રાહકે માઝા કોલ્ડ ડ્રિન્કની બોટલ ઓર્ડર કરી હતી. જોકે, માઝાની બોટલમાં મકોડા દેખાતા ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને ગ્રાહકે કોર્પોરેશનના ખોરાક શાખામાં પણ ફરિયાદ દાખલ કરી છે.

અથાણાં માંથી નીકળી ગરોળી
અમદાવાદમાં અથાણાંમાંથી એક મરેલી ગરોળી નીકળી છે. વેજલપુરના જૈન ગૃહ ઉદ્યોગનું આ અથાણું છે. તેમના ગૃહ ઉદ્યોગમાં અથાણું બનાવવામાં આવ્યું છે. ગ્રાહકને અથાણું ખાધા બાદ ગરોળી નીકળતા તેઓ ચોંકી ગયા હતા.

અનેકવાર બની છે આવી ઘટના
અમદાવાદના નિકોલમાં આવેલા દેવી ઢોંસા રેસ્ટોરન્ટના સાંભારમાંથી ઉંદર નીકળ્યો હતો. ત્યારે વડોદરામાં શ્રી જગદીશ ફરસાણમાંથી ફૂગવાળી ભાખરવડી મળી આવી હતી. તો જામનગરમાં બાલાજીની વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હતો. મુંબઈના મલાડમાં ગ્રાહકે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવી તો આઈસ્ક્રીમની સાથે માનવ આંગળી પણ આવી હતી.

સોડામાંથી નીકળ્યો કાનખજૂરો
અમદાવાદમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે રેસ્ટોરન્ટ બાદ હવે સોડામાંથી કાનખજૂરો નીકળ્યો છે. ત્યારે સરખેજના ગંજ પાન પાર્લરમાંથી યુવકે ખરીદેલી ફરાળી સોડામાં 2 કાનખજૂરા દેખાયા છે. વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી હતી અને પાન પાર્લરને સીલ કર્યું હતું. હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.