December 23, 2024

11 વર્ષની સજામાં 37 વર્ષ જેલમાં રાખવામાં આવ્યો; બાંગ્લાદેશથી છૂટેલા ભારતીયની કહાની

Bangladesh Indian: બાંગ્લાદેશની જેલમાં 37 વર્ષ ગાળ્યા બાદ આખરે એક ભારતીય ત્રિપુરા પરત ફર્યો. ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લાનો એક વ્યક્તિ વર્ષો પહેલા તેના સંબંધીઓને મળવા બાંગ્લાદેશ ગયો હતો અને તેને કલ્પના પણ નહોતી કે આ સફર તેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની જશે અને તે ભારતમાં તેના પરિવાર પાસે પાછા ફરવા તરસી જશે.

બાંગ્લાદેશની જેલમાં 37 વર્ષ પસાર કર્યા બાદ શાહજહાં (62) હવે સ્વદેશ પરત ફર્યો છે. તે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોની મદદથી શ્રીમંતપુર ‘લેન્ડ કસ્ટમ્સ’ સ્ટેશન દ્વારા ભારત પરત ફર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સોનામુરા સબ-ડિવિઝનની સરહદ પર આવેલા રવીન્દ્રનગર ગામનો રહેવાસી શાહજહાં 1988માં બાંગ્લાદેશના કોમિલ્લામાં પોતાના સાસરીના ઘરે ગયો હતો. તેમના જણાવ્યા અનુસાર, તે દરમિયાન પોલીસે તેમના સંબંધીના ઘરે દરોડા પાડ્યા હતા અને પાડોશી દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી.

શાહજહાંએ પત્રકારોને જણાવ્યું હતું કે, 25 વર્ષની ઉંમરે મને કોમિલ્લાની અદાલતે 11 વર્ષની જેલની સજા ફટકારી હતી. મારી સજા પૂરી કર્યા પછી પણ, મને છોડવામાં આવ્યો ન હતો અને વધુ 26 વર્ષ કસ્ટડીમાં વિતાવ્યા હતા, અને ઘરે પાછા ફરવાની મંજૂરી આપતા પહેલા કુલ 37 વર્ષ જેલમાં વિતાવ્યા હતા.” શાહજહાં સાથે થયેલા અન્યાયની વાત થોડા મહિના પહેલા મીડિયા દ્વારા સામે આવી હતી.

શાહજહાંના પરિવારનું કહેવું છે કે તેની દુર્દશા ઝારા ફાઉન્ડેશનના ધ્યાન પર આવી હતી, જે વિદેશમાં ફસાયેલા શરણાર્થીઓને મદદ કરે છે. પરિવારે જણાવ્યું કે ઝારા ફાઉન્ડેશનના અધ્યક્ષ મુશાહિદ અલીએ શાહજહાંની મુક્તિ માટે તાત્કાલિક પગલાં લીધા અને ત્યારબાદ ઘણી કાનૂની પ્રક્રિયાઓ બાદ મંગળવારે શ્રીમંતપુર સ્ટેશન પર શાહજહાંને બીએસએફના જવાનોને સોંપવામાં આવ્યો.

શાહજહાં, હવે 62 વર્ષનો છે, જ્યારે તે નાનો હતો અને તેની પત્ની ગર્ભવતી હતી ત્યારે તેણે ઘર છોડી દીધું હતું. ભારત પરત ફરતી વખતે, તેમના પુત્રએ તેમને પ્રથમ વખત જોયા. શાહજહાંએ કહ્યું, હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. મને લાગે છે કે હું સ્વર્ગમાં છું. તે મારા માટે પુનર્જન્મ જેવું છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ જીવનમાં મારા જન્મસ્થળ પર પાછો ફરી શકીશ. તે ઝારા ફાઉન્ડેશન છે જેણે મને ઘરે પાછો લાવ્યો. હું મારા બાકીના જીવન માટે આ સંસ્થાનો આભારી રહીશ.”

તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણે પોલીસ કસ્ટડીમાં તેના પ્રથમ 14 દિવસ દરમિયાન નિર્દય ત્રાસ સહન કર્યો હતો. શાહજહાંએ યાદ કર્યું, “કોમિલા સેન્ટ્રલ જેલમાં 11 વર્ષ વિતાવ્યા પછી, મને ખોટા આરોપમાં અન્ય જેલમાં મોકલવામાં આવ્યો અને ત્યાં બીજા 26 વર્ષ વિતાવ્યા.”