December 18, 2024

Surat: સુવાલી અને ડુમસ બીચ પર પોલીસ બંદોબસ્ત, લોકોને જતા અટકાવ્યા

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી રેમલ વાવાઝોડાનને લઇને લોકો ચિંતામાં છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઈને સુરત શહેરના બે બીચ સુવાલી અને ડુમસ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1થી 7 જૂન સુધી સુવાલી અને ડુમસના દરિયાકિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે બીચ પર જવાના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ લોકોને બીચ પર જતા અટકાવવામાં આવ્યા છે.

વાવાઝોડાની આગાહીને લઇને સુરતના બે બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ વચ્ચે સુવાલી અને ડુમસ બીચ સુમસામ જોવા મળ્યા હતા. તેમજ બીચ પર જવાના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે બીચ પર જઇ રહેલા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર 7 જૂન સુધી આ બન્ને બીચ બંધ રહેશે.

આ પણ વાંચો: ગરમીથી ત્રાહિમામ: હીટવેવની આગાહીને પગલે શાળામાં વેકેશન લંબાવવા રજૂઆત

ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન ખાતાની આગાહીને લઈને ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેથી લોકો અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં સુરતના ડુમસ બીચ તેમજ સુવાલીના દરિયાકિનારા પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામનો અમલ 1 જુનથી 7 જુન સુધી કરવામાં આવશે. તેથી સાત દિવસ સુધી સુરતનો ડુમ્મસ અને સુવાલીનો દરિયા કિનારો લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત જાહેરનામાના પાલનને લઈને દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને દરિયા કિનારા પર જશે તો તેની સામે જાહેરનામા ભાંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વની વાત છે કે છેલ્લા બેથી ચાર દિવસથી સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ અને વેકેશનના માહોલને જોતા વાવાઝોડાની પરિસ્થિતિમાં વધારે લોકોને ભીડ દરિયા કિનારાના વિસ્તારમાં એકઠી ન થાય તેમ જ દરિયા કિનારા પર ફરવા ન જાય તેથી લોકોના હિતમાં સુરત શહેર પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.