July 5, 2024

Hathras Satsang: પુત્રની લાશને ખભા પર લઈને ફરતા રહ્યા પિતા, પત્નીનું પણ મોત

Hathras Satsang: ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈના રોજ જે બન્યું હતું તેને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે. મંગળવારે બાબા નારાયણ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. જેમાં 116 લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઘાયલ થયા. હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા પરંતુ મંગળવારે સિકંદરા રાવ સીએચસીમાં એવું દ્રશ્ય જોવા મળ્યું કે એક પિતા પોતાના છ વર્ષના પુત્રની લાશને ખભે લઈને રડતા રહ્યા. આ અકસ્માતમાં તેમણે તેમની પત્ની અને એકમાત્ર પુત્ર ગુમાવ્યો હતો.

પત્ની અને બાળકનું મોત
પીલખના અકરાબાદના રહેવાસી છોટે લાલ સત્સંગમાં આવેલા ભક્તોની સેવામાં વ્યસ્ત હતા. તેમણે સપનાંમાં પણ કલ્પના નહીં કરી હોય કે તે તેમના પરિવાર સાથે જે સત્સંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા તેમાં તે પોતાના પરિવારને ગુમાવી દેશે. છોટેલાલે તેમની પત્ની મંજુ અને માત્ર છ વર્ષના પુત્ર પંકજને ઉપદેશ સાંભળવા માટે ભીડ વચ્ચે બેસાડ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી મંજુ તેના પુત્ર સાથે સ્થળની બહાર આવી પરંતુ છોટેલાલે ભક્તોને સલામત રીતે બહાર કાઢવા માટે મદદ કરવાનું શરૂ કરી દીધુ હતું.

આ પણ વાંચો: કાળી કરતૂતોથી ભરેલો ભોલે બાબાનો ભૂતકાળ! યૌન શોષણ સહિત 5 કેસમાં આરોપી

પુત્રની લાશને ખભા પર લઈને ફરતા રહ્યા પિતા
આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને સાથે-સાથે ચીસો પણ સંભળાઈ રહી હતી. જ્યારે લોકો દોડવા લાગ્યા તો એકબીજા પર પડવા લાગ્યા, પરંતુ છોટે લાલને ખબર ન હતી કે તેમની પત્ની અને પુત્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. છોટે લાલ CHC પહોંચતા જ પોતાના પુત્ર અને પત્નીના મૃતદેહ જોઈને ચીસો પાડવા લાગ્યા હતા. તે પોતાના પુત્રની લાશને ખભા પર લઈને ફરતા રહ્યા અને પોતાના પ્રિયજનોને ફોન કરીને કહેતા રહ્યા કે તેમનો પુત્ર અને પત્ની હવે આ દુનિયામાં નથી રહ્યા. છોટે લાલ કહે છે કે તે ગામમાં જ મજૂર તરીકે કામ કરે છે. તેમને ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. હવે પત્ની અને પુત્રના ગયા પછી તેમની આખી દુનિયા બરબાદ થઈ ગઈ છે.

વહીવટી તંત્ર પર લોકોમાં ભયાનક રોષ, હંગામો
સીએચસીમાં કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોમાં પોલીસ પ્રશાસન અને આરોગ્ય વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું કે ઘાયલો અહીં બે કલાકથી પીડાઈ રહ્યા છે, પરંતુ ત્યાં કોઈ ડોક્ટર પણ નથી. સાંભળનાર કોઈ નથી. અંધેર નગરી અને ચૌપટ રાજા જેવી સ્થિતિ છે. કોને કહેવું? જો લોકોને યોગ્ય સમયે સારવાર મળી હોત તો કદાચ ઘણા લોકોના જીવ બચી શક્યા હોત પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.