November 5, 2024

હરિયાણા ભાજપે કરી મોટી કાર્યવાહી, 8 નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

Haryana Assembly Elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના બળવાખોર નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડવા બદલ 8 બળવાખોર નેતાઓે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ નેતાઓમાં સંદીપ ગર્ગ, રણજીત ચૌટાલા, જીલેરામ શર્મા, દેવેન્દ્ર કાદ્યાન, બચ્ચન સિંહ આર્યના નામ સામેલ છે. હરિયાણાના પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલીએ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડી રહેલા પાર્ટીના કાર્યકરોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. ભાજપ દ્વારા પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતાઓમાં એવા નેતાઓનો પણ સમાવેશ થાય છે જે લાડવા, અસંધ, ગનૌર, સફિડોન, રાનિયા, મેહમ, ગુરુગ્રામ અને હાથિનથી પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

આ અપક્ષોને હટાવવામાં આવ્યા
લાડવાથી સંદીપ ગર્ગ, અસંધથી જીલેરામ શર્મા, ગનૌરથી દેવેન્દ્ર કાદ્યાન, સફિડોનથી બચ્ચન સિંહ આર્ય, રાનિયાથી રણજીત ચૌટાલા, મેહમથી રાધા અહલાવત, ગુરુગ્રામથી નવીન ગોયલ અને હાથિનથી કેહર સિંહ રાવત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ બધામાં રણજીત ચૌટાલાનું નામ ચર્ચામાં છે. રણજીત ચૌટાલા કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. રાનિયાને ટીકીટ ન આપવાથી તે નારાજ હતા. રણજીત ચૌટાલા પૂર્વ સીએમ ચૌધરી દેવીલાલના પુત્ર છે.

સીએમ સૈની સામે બળવાખોરો પણ ઉતરી આવ્યા
સીએમ નાયબ સિંહ સૈની લાડવાથી ચૂંટણી લડી રહ્યા છે. અસંધથી યોગેન્દ્ર રાણા, ગનૌરથી દેવેન્દ્ર કૌશિક, સફીડોનથી રામ કુમાર ગૌતમ, રાનિયાથી શિશપાલ કંબોજ, મહેમથી દીપક નિવાસ હુડા, ગુરુગ્રામથી મુકેશ શર્મા અને હાથિનથી મનોજ રાવત ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.