December 21, 2024

હરિયાણા ચૂંટણી માટે BJPએ 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Haryana Assembly Elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની સત્તાધારી ભાજપે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 21 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોની જાહેરાત કરી હતી. હવે બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. એવું માનવામાં આવતું હતું કે પાર્ટી આજે બાકીની તમામ 23 બેઠકો પર ઉમેદવારો ઉતારશે.

નવી યાદીમાં, પાર્ટીએ પવન સૈનીને નારાયણગઢથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે દેવેન્દ્ર કૌશિકને ગણૌરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે જુલાનામાં કોંગ્રેસના ઉમેદવાર અને ઓલિમ્પિયન વિનેશ ફોગટ સામે કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપે પુંડરીથી સતપાલ જામ્બા, રાયથી કૃષ્ણા ગેહલાવત, અસંધથી યોગેન્દ્ર રાણા, બરૌડાથી પ્રદીપ સાંગવાન, નરવાનાથી કૃષ્ણ કુમાર બેદી, ડબવાલીથી બલદેવ સિંહ મંગિયાના, રોહતકથી મનીષ ગ્રોવર, એલનાબાદથી અમીર ચંદ મહેતા, નારનૌલથી ઓમપ્રકાશ યાદવ, બાવલથી કૃષ્ણ કુમાર, પટૌડીથી બિમલા ચૌધરી, ફિરોઝપુર ઝિરકાથી નસીમ અહેમદ, નુહથી સંજય સિંહ, પુનાનાથી એજાઝ ખાન, હાથિનથી મનોજ રાવત, હોડલથી હરીન્દર સિંહ રામરતન અને બદખાલથી ધનેશ અધલખાને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર-હરિયાણામાં કોણ જીતશે? USથી રાહુલ ગાંધીની ભવિષ્યવાણી

પાર્ટીએ પિહોવાથી ઉમેદવાર બદલ્યા છે. હવે ત્યાંથી જય ભગવાન શર્માને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પ્રથમ યાદીમાં કવલજીત સિંહ અજરાનાને પિહોવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા પરંતુ ભારે વિરોધને કારણે કવલજીત સિંહ અજરાનાએ મેદાન છોડી દીધું હતું. મંગળવારે જ અજરણાએ આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષને જાણ કરી હતી. નોંધનીય છે કે, 12 સપ્ટેમ્બર નામાંકન માટેની છેલ્લી તારીખ છે. રાજ્યની તમામ 90 વિધાનસભા બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે, જ્યારે પરિણામ 8 ઓક્ટોબરે આવશે.