પ્રદૂષણ સામે હરિયાણા સરકારની મોટી કાર્યવાહી, 24 અધિકારીઓ સસ્પેન્ડ; 18 ખેડૂતોની ધરપકડ
Stubble Burning: દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે હરિયાણા સરકારે તેના રાજ્યમાં પરાળ સળગાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. હરિયાણાના કૃષિ વિભાગે આ મામલે બેદરકારી બદલ વિવિધ જિલ્લામાં તૈનાત 24 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં પરાળી સળગાવવાની ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર અને ડેપ્યુટી ડાયરેક્ટર પાસેથી મળેલી ભલામણોના આધારે સરકારે આ કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત, હરિયાણા સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં કૈથલ જિલ્લામાં 18 ખેડૂતોની ખેતરોમાં પરાળી સળગાવવાના આરોપમાં ધરપકડ કરી છે. દિલ્હીમાં ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન વધતા પ્રદૂષણના સ્તર માટે હરિયાણા અને પડોશી પંજાબમાં પરાળી સળગાવવાને ઘણીવાર જવાબદાર ગણવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોમાં, 18 ખેડૂતોની પરાળી સળગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા કારણ કે આ જામીનપાત્ર ગુનો છે.”
હરિયાણાના કૈથલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) બીરભાને જણાવ્યું હતું કે વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ પરાળી સળગાવવા માટે કેસ નોંધવામાં આવ્યા છે. તાજેતરમાં, પાનીપત, યમુનાનગર અને અંબાલા સહિત કેટલાક અન્ય જિલ્લાઓમાં પરાળ સળગાવવા માટે FIR નોંધવામાં આવી છે.
હરિયાણાના મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે રવિવારે ડેપ્યુટી કમિશનરોને એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો કે પરાળી સળગાવવાની ઘટનાઓને અસરકારક રીતે કાબૂમાં લેવામાં આવે. સુપ્રિમ કોર્ટે બુધવારે હરિયાણા અને પંજાબની સરકારોને પરાળીને બાળી નાખવાના કેસમાં ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી ન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ અભય એસ ઓકા, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ હરિયાણા અને પંજાબ સરકારના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.