આ ગુજરાતી છોકરાનો બોલિવૂડમાં ડંકો, રેમો ડિસોઝા-અજય દેવગણ સાથે કર્યું છે કામ

વિવેક ચુડાસમા, અમદાવાદઃ બોલિવૂડમાં ઘણાં ગુજરાતીઓ પેઢીઓથી ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે આજે વાત કરવી છે એવા એક કલાકારની કે જેમણે ગુજરાતના એક ગામમાંથી નીકળીને બોલિવૂડ સુધીની સફર પૂરી કરી છે. આ વાત છે મૂળ ભરૂચના હર્ષ ઉપાધ્યાયની. તેમણે રેમો ડિસોઝાની આગામી ફિલ્મ માટે 12 ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કર્યું છે. છેલ્લા 16 વર્ષમાં હર્ષે અનેક રિયાલિટી શો અને મ્યુઝિક પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે. અજય દેવગણની આગામી ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ અને કાજોલની ‘મા’ સિરીઝમાં પણ તેમના ગીતો સાંભળવા મળશે. આવો તેમના જ શબ્દોમાં જાણીએ તેમની આ અદ્ભુત સફર…
પ્રશ્નઃ મ્યુઝિકની સફર કેવી રીતે શરૂ થઈ?
જવાબઃ હું મૂળ ભરૂચનો છું, પરંતુ છેલ્લા 16 વર્ષથી મુંબઈમાં છું. મુંબઈ એક માયાનગરી છે. મુંબઈમાં આવનારા લોકો ખુલ્લી આંખે પણ સપના જોતા હોય છે. જેમ મુંબઈ આ સ્વપ્નસેવીઓને સ્વીકારે છે, તેમ મનેય સ્વીકાર્યો છે. આમ જોવા જઈએ તો, મારી મ્યુઝિક ફિલ્ડની સફર વડોદરામાં એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન કેટલાક ડાન્સર મિત્રો માટે મ્યુઝિક રિમિક્સ કરવાથી શરૂ થઈ હતી. મારા મિત્રોનું એક રિયાલિટી શોમાં સિલેક્શન થયું હતું. તેમાં મને પણ મ્યુઝિકમાં ચાન્સ મળી ગયો હતો. તેઓ મારા રિમિક્સ ગીતો પર્ફોર્મન્સમાં ઉપયોગમાં લેવાના હતા. શોના મેકર્સને મારા રિમિક્સ પસંદ આવતા તેમણે મને બીજી સિઝનમાં કામ કરવાની ઓફર આપી હતી. આ ઓફર મારા માટે એક મોટી તક સાબિત થઈ હતી.
તેઓ વધુમાં જણાવે છે કે, ‘કંઈક કરી બતાવવાના જુસ્સા સાથે હું રિયાલિટી શોમાં મ્યુઝિક કમ્પોઝ કરવા માટે મુંબઈ પહોંચ્યો હતો. મેં આ રિયાલિટી શોમાં મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે કામ શરૂ કર્યું હતું. બીજી સિઝન પૂરી થયા પછી મેં આ શોમાં મ્યુઝિક આપતી કંપની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમયની સાથે હું કામ શીખતો ગયો અને ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે મારી ઓળખ બનાવતો ગયો હતો.’
પ્રશ્નઃ રેમો ડિસોઝા સાથે કામ કરવાની તક કેવી રીતે મળી?
જવાબઃ રિયાલિટી શોમાં કામ કરતી વખતે જ મારી રેમો સર સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન જ સરે મને એવોર્ડ અને ફિલ્મનું મ્યુઝિક બનાવવા માટે બોલાવ્યો હતો. મેં તેમના માટે કામ કર્યું. રેમો સરને મારું કામ પસંદ આવતાં તેમણે મને તેમની ફિલ્મોમાં મ્યુઝિક આપવા માટે બોલાવ્યો. તેમની ફિલ્મ ‘એબીસીડી’, ‘એબીસીડી 2’ અને ‘સ્ટ્રીટ ડાન્સર’ માટે મ્યુઝિક બનાવવાની તક મળી હતી. આ સિવાય વિશાલ-શેખર, સ્નેહા ખંડવલકર અને શાશ્વત સચદેવના નાના-નાના પ્રોજેક્ટ્સ માટે પણ મ્યુઝિક કમ્પોઝર તરીકે કામ કરવાની તક મળી હતી.
વર્ષ 2023ના જાન્યુઆરીમાં રેમો સરનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે, ‘તું મારી આવનારી ફિલ્મ ‘બી હેપ્પી’ માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરીશ.’ જો કે, ત્યારે મારી ઈચ્છા ગીતો કમ્પોઝ કરવાની હતી અને રેમો સરે મારી ઈચ્છા પૂરી કરી હતી. મેં તેમને ‘બી હેપ્પી’ માટે 28 દિવસમાં 6 ગીતો તૈયાર કરીને આપ્યા હતા. પછી બીજા 6 ગીતો પણ મેં જ તૈયાર કર્યા હતા. આ ફિલ્મનો આખો જ પ્રોજેક્ટ મને મળ્યો અને ફિલ્મ માટે મ્યુઝિક ડાયરેક્ટર તરીકેની ભૂમિકા ભજવી હતી. એ ખુશી મારા માટે કંઈક અલગ જ હતી.’
પ્રશ્નઃ હાલ તમારું કયા-કયા પ્રોજેક્ટ્સ પર કામ ચાલે છે?
જવાબઃ મારી મહેનતના પરિણામે ‘બી હેપ્પી’ ફિલ્મ મળ્યા પછી મને અજય દેવગણની ‘સન ઓફ સરદાર 2’ અને કાજોલની ‘મા’ ફિલ્મમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ મળ્યું હતું. આ બંને પ્રોજેક્ટ પર કામ પૂરું થઈ ગયું છે. હાલ હું બીજા 4-5 પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. મને આશા છે કે લોકોને મારું કામ પસંદ આવશે.