February 2, 2025

લો બોલો! સાયબર ફ્રોડ કરતી ગેંગે ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક ID બનાવ્યું

ગાંધીનગર: સોશિયલ મીડિયા દ્વારા સાયબર ક્રાઇમનો વધારો ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે હવે ઠગ ટોળકીઓ દેશના નામાંકિત લોકો અને નેતાઓના પણ બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી રહ્યા છે. તાજેતરની ઘટનામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ટ્રેન્ડનો શિકાર બન્યા છે, જ્યારે તેમના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું.

હર્ષ સંઘવીએ તેમના ઓફિશિયલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોકોને બનાવટી એકાઉન્ટ (Fake Facebook Account) વિશે ચેતવણી આપી હતી. તેમણે તેમના ફોલોવર્સને સતર્ક રહેવા વિનંતી કરી છે, જો તેઓને તેમાંથી કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ અથવા મેસેજ મળે તો ફેક આઈડીની જાણ કરવાની સલાહ આપી છે.

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું, “મારા નામનો ઉપયોગ કરીને બનાવાયેલ નકલી ફેસબુક આઈડીને વિશે જાણ કરવા માંગુ છું. જો તમને આ ફેક એકાઉન્ટમાંથી મેસેજ અથવા ફ્રેન્ડ રિક્વેસ્ટ મળે છે, તો તેની સાથે જોડાશો નહીં. યોગ્ય કાર્યવાહી માટે એકાઉન્ટની સીધી ફેસબુકને જાણ કરો,” આ મેસેજ હર્ષ સંઘવીએ તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સ્ટોરી પર પોસ્ટ કર્યો છે.