January 5, 2025

GSRTC દ્વારા કરોડોના ખર્ચે બનાવાયેલ નવા એસટી ડેપો વર્કશોપનું હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ

અમિત રૂપાપરા, સુરત: સુરત એસટી નિગમ દ્વારા ઉધના ખાતે નવીન અધ્યતન ડેપો વર્કશોપ તૈયાર કરાયો છે. ઉધના ડેપો વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ ડેપો 9000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયો. ડેપો વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ , ઈલેક્ટ્રીક રૂમ, બે રેકોર્ડ રૂમ , રેસ્ટ રૂમ સહિત અધ્યતન સગવડ અને સુવિધા પણ ઉભી કરાઇ.

સુરતના ઉધના બસ ડેપો પર વર્કશોપનો ઉદ્ઘાટન રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉધનાના ધારાસભ્ય મનુ ફોગવા, સુરતના સાંસદ મુકેશ દલાલ, શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, સુરતના મેયર દક્ષેશ માવાણી, કલેકટર ડોક્ટર સૌરભ પારધી, સુરત એસટી ડિવિઝનલ પીવી ગુર્જર તેમજ એસટીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ નવીન વર્કશોપ 4. 72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટરૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, સ્ટોર રૂમ, જેન્સ તેમજ લેડીસ ટોયલેટ, લોંગ સર્વિસ પીટ, વોટર રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, ડેપો મેનેજર ઓફિસ, બે રેકોર્ડરૂમ, એડમીન ઓફિસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવા વર્કશોપની એસટીના સૌ પરિવારને શુભકામના અને એસટીના કર્મચારીઓએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ડ્રાઇવરોએ બસને પોતાની ઘણી અગરબત્તી અને પૂજન કરીને યાત્રા શરૂ કરવી તેમણે. આપણે આપણી ગાડીનું પૂજન કરતા હોઈએ છીએ તે રીતે બસનું પૂજન કરવાનું છે.

મુસાફરોની સંખ્યા વધવા બાબતે તેમને જણાવ્યું હતું કે, મુસાફરોની સંખ્યા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 25 લાખ સુધી પહોંચી છે અને હવે આગામી દિવસોમાં આ સંખ્યા 30 લાખને પાર થવી જોઈએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી ગુજરાતના નાગરિકો માટે 20 નવી હાઇટેક volvo બસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 8 બસ સુરતને, 8 બસ રાજકોટને અને 4 બસ વડોદરાને ફાળવવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ અદ્યતન volvo 80 બસ ગુજરાતના લોકો માટે રસ્તા પર દોડાવવામાં આવશે. આ વોલ્વો બસની અંદર એટલી હાઈ ટેક સુવિધા છે કે બસમાં ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવ્યું છે. બસમાં આગ લાગે તો સબમરીન જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે એટલે કે બસની અંદર જ પાણીની ટેન્ક રાખવામાં આવી છે. ઉપરાંત આ બસ સંપૂર્ણ હાઇડ્રોલિક છે જેથી કરીને કોઈના પગ દુખતા હોય તો ડ્રાઇવર બસને નીચી પણ કરી શકે છે.