હર્ષ સંઘવી વિધાનસભામાં આકરા પાણીએ, ડ્રગ્સ-લવજેહાદ મુદ્દે જાણો શું કહ્યું…

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં આકરા પાણીએ જોવા મળ્યા હતા. જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત અનેક મુદ્દાએ કોંગ્રેસ પર વરસ્યા હતા.

તેમણે ડ્રગ્સ મુદ્દે વાત કરતા જણાવ્યુ હતુ કે, ડ્રગ્સનો મુદ્દો રાજકીય મુદ્દો બનાવો છો. પંજાબથી ગુજરાત પોલીસે પણ ડ્રગ્સ પકડ્યું છે. બંગાળમાંથી પણ ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડ્યું છે. ડ્રગ્સ રિવોર્ડ પોલિસી તૈયાર કરી જેના થકી વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યા છે. ડ્રગ્સ જે ફેકટરીમાં બને છે તેને ગુજરાત પોલીસે બાતમી હેઠળ પકડી છે. મારા હાથમાં નથી નહીં તો વિપક્ષના નેતાઓને ભારત અને પાકિસ્તાન બોર્ડર પર મોકલવા જોઈએ. જેમાં વિપક્ષ નેતાઓને બોર્ડર પર બુલેટ પ્રુફ જેકેટ અને હેલ્મેટ આપીને જેથી એ લોકો જોવે કે ATS કેવા જીવના જોખમે કામ કરે છે. પાકિસ્તાનના લોકો સામે ચાલીને ગુજરાત પોલીસને ડ્રગ્સ આપતા નથી. ગુજરાત પોલીસ જીવનના જોખમે તેમને પકડી રહી છે.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, તમારા 12 ધારાસભ્યોની જેટલી લીડ છે તેટલી લીડ તો અમારા કપ્તાનની છે. બીજેપીની સરકારને લોકોએ મત આપ્યા છે. દિલ્હીથી એમના નેતા ચર્ચા કરવા આવે છે અને ચિંતા વ્યક્ત કરે છે. 3 ટર્મમાં ધારાસભ્ય પોતાના મતની ટકાવારીમાં વધારો થયો છે. જેનો ઘટાડો થયો છે તેમને ચિંતા વ્યક્ત કરવી જોઇએ. કેમેરા સામે બોલતા લોકોએ ચિંતા કરવી જોઇએ. લીડ ઘટવા પાછળ દિલ્હીથી નેતા આવીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સામાજિક મુદાઓ પર રાજકારણ ન હોવું જોઇએ. સામાજિક વિષય પર રાજકારણ કરે છે. ભૂલ પર પ્રહાર કરો પરંતુ ચિંતા કરો. નકલી ઓફિસની વાત કરે, નકલી લોકોને છોડવાના નથી. રાજ્ય સરકાર કડકાઈથી કામ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં વહીવટી તંત્રને બદનામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે ગૃહમાં સિનિયર ધારાસભ્યો હોબાળો કરે છે, પરંતુ તે ભારત સરકારનો ડેટા મેળવતા નથી. ગુજરાતે ઘણી ખરી સિદ્ધિ હાંસલ કરી છે. NCRBએ ડેટા જાહેર કરેલા છે. ગુજરાત સૌથી ગંભીર ગુનાના સ્થાનમાં 31મા નંબરે છે. મહિલા પર ગુનામાં 33મા નંબરે છે. શરીર સંબંધી ગુનામાં નંબર 30 પર છે. ક્રાઇમના ગુનામાં 32મા નંબરે છે. ઇકોનોમિક ક્રાઈમમાં 33 નંબરે છે.

ગૃહમાં ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, અમિત ચાવડાએ ગુજરાતને ડ્રગ્સ લેન્ડિંગ હબ બનાવ્યાનો દાવો કર્યો હતો. મારી જોડેના ફોટોવાળા વ્યક્તિ ડ્રગ્સ વેચતા પકડાયા છે. એક રાજ્યના ગૃહમંત્રી જોડે ફોટો હોય એને પોલીસ ન છોડે તે મારું સર્ટિફિકેટ છે. ડ્રગ્સ વેચનારને અમે છોડતા નથી.

લવજેહાદના વધતા કેસ મામલે હર્ષ સંઘવી બોલ્યા હતા કે, લવજેહાદના કેસમાં કડક પગલાં ભરવામાં આવશે. આવા આરોપીઓને પ્રજાની વચ્ચે લાવવાના છે. આ લોકોના વરઘોડા કાઢવાના છે. રાજ્યની દીકરીઓએ આ લોકોના ચહેરા જોવાના છે.