December 26, 2024

Harry Potterની અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું નિધન, બે ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા

Dame Maggie Smith Death: ‘હેરી પોટર’ અને ‘ડાઉનટન એબે’ ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલ જીતનારી અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું નિધન થયું છે. અભિનેત્રીએ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના પરિવારે ચાહકોને આ દુઃખદ સમાચાર આપતા શોક વ્યક્ત કર્યો છે. બ્રિટિશ સ્ટેજ અને સિનેમાની મહાન વ્યક્તિત્વ ધરાવતી આ અભિનેત્રીએ તેની કારકિર્દીમાં બે ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા, એક 1970માં ‘ધ પ્રાઇમ ઓફ મિસ જીન બ્રોડી’ માટે અને બીજો 1979માં ‘કેલિફોર્નિયા સ્યુટ’ માટે.

અભિનેત્રીના પુત્રએ માહિતી આપી
તેમના પુત્રો ટોબી સ્ટીફન્સ અને ક્રિસ લાર્કિને સોશિયલ મીડિયા પર લખ્યું, અમને ખૂબ જ દુઃખ સાથે કહેવુ પડે છે કે ડેમ મેગી સ્મિથનું નિધન થઇ ગયું છે. આજે 27 સપ્ટેમ્બરે સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેણીની અંતિમ ક્ષણોમાં તેના મિત્રો અને પરિવાર હાજર રહ્યાં હતા. તેણી બે પુત્રો અને પાંચ પ્રેમાળ પૌત્રો છોડી ગયા, જેઓ તેમની માતા અને દાદીના અવસાનથી ખૂબ જ દુઃખી છે.

પરિવારે પ્રાઇવસીની માંગ કરી
વધુમાં લખ્યું, પરિવાર વતી નક્કી કરવામાં આવ્યું છે કે ‘અમે ચેલ્સિ અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલના અદ્ભુત સ્ટાફનો આભાર માનીએ છીએ. અમે તેમના અંતિમ દિવસોમાં તેમની સંભાળ રાખનાર દરેકને તેમના તમામ સમર્થન અને શુભેચ્છાઓ માટે આભાર માનીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી પ્રાઇવસીનું સમ્માન કરો.