December 28, 2024

હાર્દિક પટેલ જેલમાં અને કિંજલભાભીએ વકીલાત શરૂ કરી, જાણો રસપ્રદ કિસ્સો

હાર્દિક પટેલ જેલમાં હતા ત્યારે પત્નીને લાગી આવતા તેમણે વકીલાતનું ભણવાની શરૂઆત કરી હતી.

અમદાવાદઃ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને તેમના પત્ની કિંજલ પટેલનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ ન્યૂઝ કેપિટલે કર્યો હતો. જેમાં હાર્દિક અને કિંજલ સજોડે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં પહોંચ્યા હતા અને તેમની રાજકીય સફરથી લઈને સામાજિક જીવન અને પ્રેમસંબંધની ખુલ્લા મને ચર્ચા કરી હતી. આ દરમિયાન હાર્દિકે જેલવાસથી લઈને વિરમગામના ધારાસભ્ય બનવા સુધીના સફરની વાત કરી હતી. આ સાથે જ પત્ની કિંજલે પણ હાર્દિક પટેલ અંગે અનેક ખુલાસાઓ કર્યા હતા.

તેમને પૂછવામાં આવ્યું કે, જેલકાળ દરમિયાન પત્ની કિંજલે તેમને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું હતું. તેના જવાબમાં હાર્દિક પટેલ જણાવે છે કે, ‘લાજપોર સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે તે એચઆરનું ભણતી હતી. ત્યારે મારે વાતચીત થતી. ત્યારે મેં એને બે ત્રણ પ્રશ્નો પૂછ્યાં કે, ક્યાં રહે છે, કેવી રીતે અપડાઉન કરે છે. ત્યારે તેને લાગી આવ્યું અને એચઆર છોડી દીધું. પછી જેલમાંથી બહાર આવ્યો અને ત્યારપછી ફરીવાર એકાદ બે કારણોસર મારી ધરપકડ ફરીવાર થઈ. હવે જેલમાં મુલાકાત માત્ર વકીલોને જ આપે. ફેમિલિ રિલેશનમાં અઠવાડિયે એકવાર આપે. ત્યારે એણે મનોમન વકીલાતનું ભણવાનું નક્કી કર્યું. એનું પતી ગયું છે અને મારું હજુ બાકી છે.’

જ્યારે હાર્દિકના પત્ની કિંજલ જણાવે છે કે, ‘બહુ અઘરો સમય હતો. મારા સાસુ, સસરા અને હું ખૂબ જ મજબૂત હતાં. મારા સસરાએ હંમેશા મને દીકરીની જેમ હાથમાંને હાથમાં રાખી હતી. હાર્દિક કેસની બાબતે જેલમાં હોય તો મને ક્યારેય એવું નહોતું થયું કે મારા ઘરે જઉં… મેં કાયમ મારા સાસુ-સસરાને માતા-પિતાના સ્થાને મૂક્યાં છીએ. એમણે પણ મને હંમેશા એક દીકરીની જેમ જ રાખી છે.’

કિંજલ આગળ જણાવે છે કે, ‘હાર્દિક એકદમ સપોર્ટિવ માણસ છે. મને બધી જ પરિસ્થિતિમાં તેમણે સાથ આપ્યો છે. તેમનું ફેમિલિ ઘણું મોટું છે. તેને કારણે કદાચ હાર્દિક ક્યારેય 10 દિવસના પ્રવાસે જાય તો પણ મને એકલું લાગતું નથી. હાર્દિક પ્રકૃતિ પ્રેમી પણ છે. એટલે અમે વર્ષમાં એકવાર સ્પેશિયલ ટાઇમ કાઢીને અમારા ફ્રેન્ડ સર્કલ સાથે ગીરના પ્રવાસે પણ જતા હોઈએ છીએ.’