December 23, 2024

સાત ભવ સાથે જીવવાનો વાયદો, ત્રણ વખત લગ્ન અને 4 વર્ષના સાંસારિક જીવનનો અંત

Natasha Hardik: ‘આપણે છૂટા પડ્યા ’તા જે ક્ષણે આઘાત સાથે, એ પછી કાયમ વીત્યો મારો સમય ઉત્પાત સાથે’…નતાશા અને હાર્દિક પંડ્યાના ગઈ કાલે આવેલા સમાચારથી દરેક લોકો ચોંકી ગયા હતા. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેઓએ છૂટાછેડાની પુષ્ટિ કરી છે. તેમના ચાહકોને સત્તાવાર રીતે માહિતી આપી હતી કે અમે અલગ થઈ રહ્યા છીએ.

સાત ભવનો સાથ ચાર વર્ષમાં અંત

બોલીવુડ અભિનેત્રી અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા લગ્નના ચાર વર્ષ બાદ અલગ થઈ ગયા છે. અહેવાલો અનુસાર બંને વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી અણબનાવો ચાલી રહ્યા હતા. જેના કારણે આખરે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ જાહેરાતથી તેમના ચાહકો ખૂબ જ નિરાશ છે. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા અને હવે બંને અલગ થઈ રહ્યા છે. 7 ભવના વાયદા સાથે 4 વર્ષમાં જ બંનેએ સાથનો અંત લાવી દીધો છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાના નતાશા સાથે થયા છૂટાછેડા, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કરી પુષ્ટિ

પહેલી મુલાકાત રહી ખાસ

હાર્દિક અને નતાશા પહેલીવાર 2018માં મુંબઈની એક નાઈટ ક્લબમાં મળ્યા હતા. આ પછી બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ હતી. હાર્દિકે તેના જન્મદિવસ પર નતાશાને આમંત્રણ આપ્યું હતું, આ પહેલી વાર હતું જ્યારે બંને સાથે જોવા મળ્યા હતા. જે બાદ તમામ લોકો તેમના અફેરની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ સમયે નતાશાએ હાર્દિકને તેનો ખાસ મિત્ર કહ્યો હતો. 2020 માં ફિલ્મી શૈલીમાં પ્રપોઝ કર્યું હતું જેને તમામ લોકો જોતાને જોતા જ રહી ગયા હતા. આ સમયના ફોટા અને વીડિયો ખુબ વાયરલ થયા હતા.

હાર્દિક નતાશા જીવનના બીજા અધ્યાયની શરૂઆત

કોરોનાકાળ ચાલી રહ્યો હતો. તે સમયે અચાનક બંનેએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. વર્ષ 2020 માં, કપલે કોર્ટ મેરેજ કર્યા હતા અને થોડા દિવસો પછી ખબર પડી કે અભિનેત્રી ગર્ભવતી છે. ત્યારબાદ બંનેના જીવનમાં નવા અધ્યાય સ્વરૂપમાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ અગસ્ત્ય છે. નતાશા અને હાર્દિક અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના પુત્ર સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે.

પુત્રના જન્મ બાદ 2023માં લગ્ન કર્યા હતા

હાર્દિક અને નતાશાએ પુત્રના જન્મના ત્રણ વર્ષ બાદ 2023માં ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ હિંદુ અને પછી ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી મેરેજ કર્યા હતા. જેની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી બંને વચ્ચે ખુબ સરસ ચાલી રહ્યું હતું. પરંતુ હાર્દિકને જાણે એક બાદ એક ફટકા પડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આઈપીએલ 2024માં હાર્દિકને ખુબ લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજૂ પોતાના અંગત જીવનમાં પણ જાણે આફત આવી હોય તેમ આઈપીએલ 2024 ચાલી રહી હતી ત્યારે એવા અહેવાલ મળ્યા કે બંને વચ્ચે કંઈ જ થીક નથી. હવે અચાનક ગઈ કાલે નતાશા અને હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પુષ્ટિ કરી છે કે બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે.