January 27, 2025

ICC Rankings: ટી-20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા બન્યો નંબર-1 ઓલરાઉન્ડર

ICC T20I Rankings: ટી-20 વર્લ્ડ કપ 2024 સમાપ્ત થયા પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી-20 ખેલાડીઓની તાજેતરની રેન્કિંગ બહાર પાડી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઈસીસી ટી-20 રેન્કિંગમાં પોતાનો ઝંડો ગાળી દીધો છે. હાર્દિક ટી-20નો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે શ્રીલંકાના વાનિન્દુ હસરંગા પાસેથી નબર એકનો તાજ છીનવી લીધો છે. હાર્દિક અને હસરંગાના 222 રેટિંગ પોઈન્ટ છે. જોકે ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બાદ આઈસીસી એ હાર્દિકને ટોપ પર લાવી દીદો છે. ત્યાં જ હસરંગા બીજા સ્થાને સરકી ગયો છે.

હાર્દિકને બે સ્થાન અને 9 પોઈન્ટનો ફાયદો થયો છે. તેણે આઠ મેચમાં 144 રન બનાવવા ઉપરાંત ટી-20 વર્લ્ડ કપમાં 11 વિકેટ ઝડપી હતી. તેણે દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિકે છેલ્લી ઓવરમાં 15 રનનો બચાવ કરીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટી-20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 10માં વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઈનિસ (ત્રીજો), ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા (ચાર), બાંગ્લાદેશનો શાકિબ અલ હસન (પાંચ) અને ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન (આઠ) એક-એક સ્થાન ઉપર પહોંચી ગયા છે.

આ પણ વાંચો: એકમાત્ર પુત્રની લાશને ખભા પર લઈને ફરતા રહ્યા પિતા, પત્નીનું પણ મોત

આ સાથે જ અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ચાર સ્થાન નીચે આવી ગયો છે અને ટોપ-5માંથી બહાર થઈ ગયો છે. T20I બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના એનરિક નોરખિયા (675 પોઈન્ટ)ને સાત સ્થાનનો ફાયદો થયો છે. તે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ (718) ટોપ પર છે. ટી-20 વર્લ્ડ કપમાં 15 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીતનાર ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 12 સ્થાન ઉપર ચઢી ગયો છે અને ટોપ-10ના થ્રેશોલ્ડ પર આવી ગયો છે. બુમરાહના ખાતામાં 640 પોઈન્ટ છે અને તે 12મા નંબર પર છે.