January 23, 2025

રોહિત શર્મા બાદ આ ખેલાડીને બનાવો ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન: હરભજનસિંહ

IPL 2024: રાજસ્થાન રોયલ્સ બનામ મુંબઈ ઈન્ડિયન્સ આઇપીએલ 2024ની 38મી મેચ બાદ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર ​​અને વર્તમાન કોમેન્ટેટર હરભજન સિંહે યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનના વખાણ કર્યા છે. મુંબઇ ઈન્ડિયન્સ વિરૂદ્ધ આ બંને ખેલાડીઓએ ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું. 180 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે યશસ્વીએ તેની આઇપીએલ કરિયરની બીજી સદી ફટકારી હતી. જ્યારે સેમસને તેની વિકેટ કીપિંગ અને કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા હતા. ભજ્જીએ સેમસનને ત્યાં સુધી કહ્યું કે તેને રોહિત શર્મા પછી ભારતીય ટીમનો આગામી કેપ્ટન બનવા માટે તૈયાર થવું જોઈએ.

RR vs MI મેચ પછી હરભજન સિંહે X પર પોસ્ટ કરી, ‘યશસ્વી જયસ્વાલની ઇનિંગ એ વાતનો પુરાવો છે કે ફોર્મ અસ્થાયી છે અને ક્લાસ પરમેનન્ટ અને કીપર બેટ્સમેન વિશે કોઈ ચર્ચા થવી જોઈએ નહીં. સંજુ સેમસનને ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં આવવું જોઈએ અને તેને રોહિત પછી ભારતના આગામી ટી-20 કેપ્ટન તરીકે પણ તૈયાર કરવામાં આવે. કોઇ શક???’

સંજુ સેમસન માટે IPL 2024નો પ્રવાસ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. તેની ટીમ સતત જીત નોંધાવીને પ્લેઓફ તરફ આગળ વધી રહી છે, જ્યારે તે સતત બેટથી રન બનાવી રહ્યો છે. આરઆર આઇપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ટોચ પર છે. તેમને પ્લેઓફની ટિકિટ મેળવવા માટે ઓછામાં ઓછી એક વધુ જીતની જરૂર છે. ત્યાં જ સેમસન પણ આઇપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનું નામ પણ છે.

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. ટીમે માત્ર 20ના સ્કોર પર રોહિત શર્મા, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રણ મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને 52ના સ્કોર પર મોહમ્મદ નબીના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. તે સમયે એવું લાગતું હતું કે ટીમ 150 રન પર સમેટાઈ જશે, પરંતુ ત્યારબાદ તિલક વર્મા (65) અને નેહલ વાડેરા (49)એ 99 રનની ભાગીદારી કરીને ટીમને મોટા સ્કોરનો રસ્તો બતાવ્યો હતો. આ ભાગીદારીના કારણે મુંબઈની નજર 200નો આંકડો પાર કરવા પર હતી પરંતુ સંદીપ શર્માની શાનદાર બોલિંગના કારણે MIની ગાડી 179 રન પર થંભી ગઈ હતી. સંદીપે આ સિઝનમાં તેની ત્રીજી 5 વિકેટ ઝડપી હતી.

આ સ્કોરનો પીછો કરવા માટે રાજસ્થાન રોયલ્સે મજબૂત શરૂઆત કરી હતી. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે પ્રથમ 6 ઓવરમાં 61 રન ઉમેર્યા હતા. વરસાદને કારણે મેચ પણ થોડો સમય રોકાઈ ગઈ હતી. મેચની શરૂઆત બાદ પીયૂષ ચાવલાએ જોસ બટલર (35)ને આઉટ કરીને આરઆરને પહેલો ઝટકો આપ્યો હતો. પરંતુ આ પછી યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસને મળીને ટીમને જીતની સીમા પાર કરવામાં મદદ કરી. આ દરમિયાન યશસ્વીએ તેની આઇપીએલ કારકિર્દીની બીજી સદી ફટકારી અને 104 રનની અણનમ ઇનિંગ રમી. જ્યારે સંજુ સેમસને 38 રન બનાવ્યા હતા. આરઆરએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. સંદીપ શર્માને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.