બેટ દ્વારકા ટાપુ પર આવેલ વિશ્વ પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરે હનુમાન જ્યંતીની ઉજવણી કરાઈ

દેવભૂમિ દ્વારકા: દ્વારકા 35 કિમી જેટલે દૂર આવેલ સમુદ્ર વચ્ચે બેટ દ્વારકા કે જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશનું નિવાસ સ્થાન આવેલું છે. ત્યાંથી માત્ર 5 કિમી દૂર બેટ દ્વારકા ટાપુમાં જ હનુમાન દાંડી નામથી પ્રસિદ્ધ હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજજીનું મંદિર આવેલ છે. આ મંદિર આશરે 1100 વર્ષ કરતા પણ વધુ પુરાણું છે. તેમજ ભારતભરમાં પિતા-પુત્રનું આ એક માત્ર મંદિર છે.

આ મંદિરની માન્યતા પ્રમાણે દર વર્ષે હનુમાનજી ચોખાના એક કણ જેટલા પાતાળ તરફ તેમજ મકરધ્વજજીનું સ્વરૂપ એટલું જ આકાશ તરફ વધે છે. આ મંદિરના દર્શને દેશ-વિદેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે અને અહિયાં સોપારી ચડાવી માન્યતા લે છે અને હનુમાન જયંતી નિમિતે અહીં રામધુન, અન્નકૂટ તેમજ વિશિષ્ટ શ્રુંગાર દર્શન યોજવામાં આવે છે.

બેટ દ્વારકામાં આવેલ આ મંદિર ખાતે તપસ્વી સંત પ્રેમભિક્ષુજી મહારાજે અહીં ઘણો સમય અનુષ્ઠાન કરેલું છે. પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામનામ એટલે કે શ્રી રામ જય રામ જય જય રામ ધૂનની શરૂઆત બેટ દ્વારકાના દાંડી હનુમાનજીથી જ કરી હતી અને ત્યાર બાદ આ મંત્રનો જાપ જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ જેવા અનેક શહેરોમાં અખંડ રામધૂન સંકીર્તન મંદિર ચાલે છે.