December 20, 2024

‘શાહજહાં શેખને સાંજે 4.15 વાગ્યા સુધીમાં CBIને સોંપો’: HCનો મમતા સરકારને આદેશ

Sandeshkhali Case: પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને બુધવારે કોલકાતા હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આજે સાંજે 4.15 વાગ્યા સુધીમાં શાહજહાં શેખને સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે અમે 5 માર્ચે આપેલા અમારા આદેશને લઈને ગંભીર છીએ. સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી અમારા આદેશ પર કોઈ સ્ટે આવ્યો નથી, તેથી શાહજહાંને બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપવામાં આવે. કોર્ટે કહ્યું કે અમે અવમાનના સંદર્ભમાં નોટિસ જારી કરી છે અને બંગાળ સીઆઈડી વિભાગને બે અઠવાડિયામાં એફિડેવિટ-જવાબ દાખલ કરવા કહ્યું છે.

Sandeshkhali Caseમાં CBIએ ફરીથી 3 અલગ-અલગ FIR નોંધી
પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં સીબીઆઇએ 3 અલગ-અલગ એફઆઇઆર નોંધી છે. તેમાંથી 2 FIR અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છે, જ્યારે 1 આરોપી અને TMC નેતા શેખ શાહજહાં વિરુદ્ધ નોંધવામાં આવી છે. CBIએ 5 જાન્યુઆરી 2024ના રોજ ઇડી અધિકારીઓ પર હુમલાના કેસમાં 3 અલગ-અલગ FIR નોંધી હતી. હાઇકોર્ટના આદેશ પર સીબીઆઇએ આ કેસ બંગાળ પોલીસ પાસેથી ટેક ઓવર કરી લીધો છે અને ત્રણેય એફઆઇઆર ફરીથી નોંધી છે. હકિકતે પશ્ચિમ બંગાળ પોલીસે કુલ 3 FIR નોંધી હતી. તેમાંથી 2 એફઆઈઆર EDના ડેપ્યુટી ડાયરેક્ટરની ફરિયાદ પર નોંધવામાં આવી હતી અને ત્રીજી FIR સંદેશખાલી નજીક નજાત પોલીસ સ્ટેશન દ્વારા સુમોટો વિરુદ્ધ નોંધવામાં આવી હતી. હવે આ ત્રણેય FIR ફરી CBI દ્વારા નોંધવામાં આવી છે.

SCએ તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
સીબીઆઇ 5 માર્ચ 2024ના રોજ શાહજહાં શેખની કસ્ટડી અને કેસ ડાયરી લેવા ગઇ હતી, પરંતુ બંગાળ પોલીસે કેસ ડાયરી અને કસ્ટડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો અને તેને CJI DY ચંદ્રચુડ પાસે જવા કહ્યું હતું.

EDએ કોલકાતા હાઈકોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી
દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શાહજહાં શેખને CBIને ન સોંપવા બદલ કોલકાતા હાઈકોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી હતી. માહિતી અનુસાર, અરજી દાખલ થઇ ત્યારે હાઈકોર્ટ તેના પર આદેશ લખી રહી હતી. બીજી બાજુ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટના પગલાને ટાંક્યો છે. ઇડીએ કહ્યું કે હાઇકોર્ટના આવા આદેશને રોકી શકાય નહીં. આ અપમાન છે, હવે જજ આદેશ લખી રહ્યાં છે.

PM નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ફરી FIR નોંધવામાં આવી
આ FIR એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે PM નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસ પર હતા. પીએમ મોદીએ બારાસતમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ‘સંદેશખાલીમાં ઘોર પાપ કરવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજમાં અત્યાચારો થયા છે.’ જ્યારે પીએમ મોદીએ આ વાતો કહી ત્યારે સંદેશખાલીના કેટલાક પીડિતો પણ ત્યાં હાજર હતા. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી ત્યાં 5 પીડિતોને મળ્યા હતા અને પીએમએ તેમની વાત ધ્યાનથી સાંભળી હતી.મહિલાઓ પણ પોતાના કડવા અનુભવો જણાવતા ભાવુક બની ગઈ હતી.