December 23, 2024

હમાસે બંધકોને વીડિયો જાહેર કર્યો, અમેરિકી-ઇઝરાયલી નાગરિક જીવતા હોવાનો પુરાવો આપ્યો

નવી દિલ્હીઃ ગાઝામાં ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલાઓ વચ્ચે હમાસે એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે બંધક બનાવવામાં આવેલા બે ઈઝરાયલ-અમેરિકનોના જીવિત હોવાનો પુરાવો આપ્યો છે. બે બંધકોની ઓળખ 64 વર્ષીય કીથ સીગલ અને 46 વર્ષીય ઓમરી મીરાન તરીકે થઈ છે. ત્રણ મિનિટના આ વીડિયોમાં બંધકો તેમના પરિવારજનોને સંદેશો આપતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ત્યારે જાહેર કરવામાં આવ્યો છે કે જ્યારે હમાસે કહ્યું છે કે, તે યુદ્ધવિરામ માટે ઈઝરાયલના નવીનતમ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

હમાસે એક નવો વીડિયો જાહેર કર્યો
આ વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, તે અંગે કોઈ જાણકારી મળી નથી. એવું માનવામાં આવે છે કે તે તાજેતરમાં જ રેકોર્ડ કરવામાં આવ્યો છે. કારણ કે, વીડિયોમાં મીરાને 202 દિવસ સુધી બંધક રાખવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે સિગલે યહૂદી તહેવાર – પાસઓવરનો ઉલ્લેખ કર્યો હતો. ગયા વર્ષે 7 ઓક્ટોબરે સંગીત સમારોહમાં થયેલા હુમલા બાદ અમેરિકન નાગરિક સીગલ અને તેની પત્નીને ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. સિગલની પત્નીને નવેમ્બરમાં મુક્ત કરવામાં આવી હતી.

બંધકોના આ વીડિયો પર પરિવારે પ્રતિક્રિયા આપી છે. પિતાએ જણાવ્યુ હતુ કે, શેવિંગની સામગ્રીના અભાવે મીરાની દાઢી વધી ગઈ હતી. જ્યારે તેનો પુત્ર પાછો આવશે ત્યારે તેણે દાઢી દૂર કરવાનું વચન આપ્યું હતું.

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કીથના પરિવારે કહ્યું કે, તેઓ તેમની મુક્તિ સુધી તેમની લડાઈ ચાલુ રાખશે. બંને બંધકોના પરિવારોએ ઇઝરાયલ સરકારને તેમની મુક્તિ માટે સમાધાન કરવા માટે અપીલ પણ કરી છે. ઈઝરાયલના વિદેશ મંત્રીએ શનિવારે કહ્યું હતું કે, જો બંધકોની મુક્તિ માટે કોઈ સમજૂતી થાય તો તેઓ રફાહ પર આયોજિત હુમલાના નિર્ણયને પાછો ખેંચી શકે છે.