આને કહેવાય કાર્યવાહી! મસ્જિદવાળી જગ્યાએ સરકાર બનાવશે પોલીસ સ્ટેશન
નવી દિલ્હી: ઉત્તરાખંડના હલદ્વાનીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર જગ્યાએ બનાવેલી મસ્જિદ તોડી પાડી છે. ત્યારે હવે એવું કંઈક કરવા જઈ રહી છે કે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. નૈનીતાલ જિલ્લાના હલદ્વાનીના બનભૂલપુરામાં મસ્જિદના મામલામાં હવે મોટી કાર્યવાહી જોવા મળી છે. ત્યાં બુલડોઝર ફેરવવાને લઈને હિંસા થઈ હતી અને ઘણાં લોકોનાં મોત થયા હતા. હવે હલદ્વાનીના બનભૂલપુરા વિસ્તારમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. હા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ અંગે આદેશ આપ્યા છે.
નૈનીતાલના કેપ્ટન પ્રહલાદ મીણાએ જણાવ્યું કે, ‘મુખ્યમંત્રી સીએમ ધામીએ આદેશ આપ્યો છે કે હવે દબાણવાળી જગ્યા પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. જ્યાં સુધી પોલીસ સ્ટેશન ન બને ત્યાં સુધી હંગામી પોસ્ટ ચલાવવામાં આવશે. જૂના ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોના રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. બનભૂલપુરા વિસ્તારમાં લાયસન્સવાળા હથિયારો એકઠાં કરવામાં આવી રહ્યા છે. હુમલામાં લાયસન્સવાળા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે.
સીએમ ધામીએ શું કહ્યું?
મુખ્યમંત્રી ધામીએ કહ્યુ કે, ‘હલદ્વાનીના બનભૂલપુરામાં જ્યાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યાં હવે પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. આ અમારી સરકારનો બદમાશો અને તોફાનીઓને સ્પષ્ટ સંદેશ છે કે, દેવભૂમિની શાંતિમાં ખલેલ પહોંચાડનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. ઉત્તરાખંડમાં આવા તોફાનીઓ માટે કોઈ સ્થાન નથી. ઉલ્લેખનીય છે કે, દબાણ હટાવવાની ઝૂંબેશ અંતર્ગત મહાનગરપાલિકાએ તાજેતરમાં જ બનભૂલપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મસ્જિદ અને મકબરાને બુલડોઝર વડે તોડી પાડ્યા હતા. ત્યારપછી સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને થોડી જ વારમાં હિંસા ફેલાઈ ગઈ હતી
માસ્ટરમાઇન્ડને નોટિસ ફટકારી
આ દરમિયાન હલદ્વાની મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે અબ્દુલ મલિકને નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ મલિકને હલદ્વાની હિંસા કેસનો માસ્ટર માઈન્ડ માનવામાં આવી રહ્યો છે. તેને 2.44 કરોડ રૂપિયાનું નુકસાન વસૂલવા માટે નોટિસ મોકલી છે. નોટિસ અનુસાર, આરોપી અબ્દુલ મલિકને નુકસાનની ભરપાઈ કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નુકસાનમાં સરકારી વાહનો અને હિંસામાં નુકસાન પામેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની વિગતો નોટિસમાં સામેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ નોટિસ માત્ર મહાનગરપાલિકાના નુકસાનની ભરપાઈ કરવા માટે છે, બાકીના નુકસાનની જાણ હલદ્વાનીના વહીવટીતંત્રને કરવામાં આવશે.
મસ્જિદ દબાણવાળી જમીન પર હતી
પોલીસ અને મ્યુનિસિપલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર જમીન પર અતિક્રમણ કરીને મસ્જિદ બનાવવામાં આવી હતી. મસ્જિદ અને મદરેસા પર બુલડોઝરની કાર્યવાહી પહેલા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે બુલડોઝરની કાર્યવાહી થઈ, ત્યારે નજીકની છત પરથી પથ્થરોનો વરસાદ થયો હતો. તેમાં ઘણાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બનભૂલપુરા વિસ્તારમાં હિંસા બાદ તંગ પરિસ્થિતિને જોતાં હલદ્વાની શહેરમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો અને તોફાનીઓને જોતાં જ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાના દૃષ્ટિકોણથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.