ગુરપતવંત પન્નુની હત્યાના કાવતરામાં મોટો ખુલાસો, અમેરિકામાં વિકાસ યાદવ પર કેસ દાખલ
ન્યુયોર્કઃ યુએસએ ભારતીય ગુપ્તચર (RAW) એજન્ટ પર શીખ ફોર જસ્ટિસના વડા અને ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના મેનહટ્ટનમાં ન્યાય વિભાગે પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારત સરકારના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ સામે કેસ નોંધ્યો છે. ન્યાય વિભાગે વિકાસ યાદવનો ફોટો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પન્નુ પંજાબને ભારતથી અલગ કરવાની માગ કરી રહ્યા છે. અમેરિકન એજન્સીએ વિકાસ યાદવ નામના વ્યક્તિ પર વિદેશી ધરતી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જો કે, ભારતે હંમેશા એ વાતનો ઈન્કાર કર્યો છે કે આરોપી ભારતીય નાગરિક છે.
મહત્વનું છે કે, ગયા વર્ષે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ આ વિવાદ ઉભો થયો છે. કેનેડા સતત આરોપ લગાવી રહ્યું છે કે, ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) નિજ્જરની હત્યામાં સામેલ છે. હાલમાં જ વિવાદ એટલો વધી ગયો છે કે, કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારી સહિત પાંચ લોકોને હાંકી કાઢ્યા છે. તેના જવાબમાં ભારતે પણ એટલી જ સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે.
કેનેડા પછી અમેરિકાએ પણ ભારત પર તેના નાગરિક (ભારતના મોસ્ટ વોન્ટેડ ગુરુપવંત પન્નુ)ની હત્યાનો આરોપ મૂક્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય ગુપ્તચર એજન્ટ વિકાસ યાદવે ષડ્યંત્ર રચ્યું હતું (જોકે ભારતે કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે). અમેરિકામાં યાદવને CC1 તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાએ કહ્યું કે, બંને દેશોએ કેનેડામાં નિજ્જરની હત્યા અંગે ઈન્ટેલ શેર કરી અને તેમાં યાદવ સામેલ હોવાની માહિતી મળી છે. ભારતમાં રહેતા તેમણે કોન્ટ્રાક્ટ કિલર નિખિલ ગુપ્તાને અમારી ધરતી પર રાખ્યો હતો. કેનેડામાં નિજ્જરની હત્યા પછી યાદવે પન્નુની હત્યા અંગે ગુપ્તાને સંદેશો મોકલ્યો હતો અને તેને ‘પ્રાયોરિટી’ ગણાવી હતી.
કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપમાં અમેરિકાએ ગયા વર્ષે ચેક રિપબ્લિકમાંથી ગુપ્તાની ધરપકડ કરી હતી. ટ્રાયલ માટે તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉનાળામાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં ગુપ્તાએ પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તે જાણતા-અજાણતા આ લોહિયાળ રમતમાં સામેલ થઈ ગયો હતો. ત્યારે અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, યાદવ હજુ પણ ભારતમાં છે. અમેરિકાએ બંને પર કોન્ટ્રાક્ટ કિલિંગ અને મની લોન્ડરિંગનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ કહ્યું કે, ‘અમારી પાસે ઘણા પુરાવા છે જે આરોપોની પુષ્ટિ કરે છે.’