December 24, 2024

ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરની સાયબર ક્રાઈમની ટોળકી સાથે ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલી ટોળકીનો પર્દાફાશ થયો છે. ચાઈનીઝ સાયબર ગેંગને બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર ગુજરાતીઓ ઝડપાયા છે. સાયબર ક્રાઇમે 13 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ ચાઈનીઝ સાયબર ગેંગ પાસેથી કમિશનની લાલચમાં બેન્ક એકાઉન્ટ આપતા હતા. 500થી વધુ બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કનવર્ડ કરીને ચાઈના મોકલી આપ્યા હોવાનો ખુલાસો થયો છે.

હવે સાયબર ફ્રોડનું કનેક્શન ચાઈના સુધી પહોંચ્યું છે. જેમાં સાયબર ઠગાઈના નાણાંનું ટ્રાન્જેક્શનનું મેનેજમેન્ટ અમદાવાદમાં ચાલતું હોવાનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે, કૃષ્ણનગર નજીક આવેલા મારુતિ પ્લાઝામાં બે ઓફિસ ભાડે રાખી ફેક બેન્ક એકાઉન્ટનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેના આધારે સાયબર ક્રાઇમની ટીમે રેડ કરી ત્યારે અલગ-અલગ બેંકની 30 પાસબુક, 39 ચેકબુક, 59 ATM કાર્ડ, 9 સીમકાર્ડ, બેન્ક એકાઉન્ટ ખોલવાના ફોર્મ, બેંકમાં નાણાં જમા કરવાની સ્લીપ, નોટો ગણવા માટેનું મશીન, ફિંગર પ્રિન્ટ સ્કેનર મશીન, હિસાબના ચોપડા અને 30 મોબાઈલ મળી આવ્યા હતા. આ રેડની તપાસમાં ખુલાસો થયો કે ચાઈનીઝ સાયબર ગેંગને છેતરપિંડીના નાણાં ટ્રાન્જેક્શન કરવા માટે બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરવામાં આવતા હતા. જેમાં ઓફિસ ભાડે રાખનાર દિપક રાદરિયા અને દિલીપ જાગાણીનું નામ ખુલ્યું હતું. સાયબર ક્રાઇમ બંન્ને આરોપી સહિત 11ની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુખ્ય સૂત્રધાર કેતન પટેલ અને દર્શીલ શાહનું નામ સામે આવતા તેઓની પણ ધરપકડ કરીને ચાઈના કનેક્શનનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો: જામનગરના પ્રોબેશન DySP નયના ગોરડીયાએ પોતાના સંઘર્ષ અને સફળતાની કહાની વર્ણવી

સાયબરની તપાસમાં સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના ગુનામાં આ આરોપીઓની સંડોવણીનો ખુલાસો થયો છે. જેમાં કેતન પટેલ નામનો આરોપી ચાઈનિઝ ઠગ સાથે સંપર્કમાં હતો. જે ચાઈનીઝ ગેંગને બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરતો હતો. તેમજ ક્રિપ્ટો કરન્સી માટે પણ અલગથી બેન્ક એકાઉન્ટ આપતો હતો. સમગ્ર કેસની તપાસમાં ખુલ્યું કે દિપક રાદરિયા છેલ્લા એક વર્ષથી બેન્ક એકાઉન્ટ ખોલાવીને બેન્ક એકાઉન્ટ સપ્લાય કરતો હતો. તેની સાથે દિલીપ જાગાણી પણ જોડાયેલો હતો. પરંતુ છેલ્લા 3 માસથી દિલીપે અલગથી દુકાન ભાડે રાખીને બેન્ક એકાઉન્ટ ભાડે આપવા અને ક્રિપ્ટો કરન્સીનું કન્વર્ટ કામ શરૂ કર્યું હતું. દિલીપ પોતાના સાગરીતો દ્વારા છેતરપિંડીના પૈસા બેંકમાં જમા કરાવવા અને પૈસા ઉપાડવાનું કામ પણ કરતો હતો. જેના ટ્રાન્જેક્શન પેટે 3 ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ 3 મહિનાની અંદર 150 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને 8 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. જેમાં 30 લાખનું કમિશન મળ્યું હતું. જ્યારે દિપક રાદરિયા એ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ એકાઉન્ટ દીપકે ચાઈનીઝ સાયબર ગેંગ ઉપરાંત ક્રિકેટ સટ્ટા અને ગેમઝોન એપ્લિકેશન માટે પણ સપ્લાય કર્યા હતા. દિપકને 35 લાખનું કમિશન મળ્યું છે. જ્યારે કેતન પટેલને 50 લાખથી વધુ કમિશન મળ્યું હતું. આ બંને આરોપીઓએ અસંખ્ય બેન્ક એકાઉન્ટ ખોલાવીને કેતન પટેલને આપ્યા હતા. કેતન પટેલ એકાઉન્ટમાં આવતા પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કનવર્ડ કરીને ચાઈના મોકલતો હતો. આ ક્રિપ્ટો કરન્સી દર્શીલ શાહ પાસેથી કેતન મેળવતો હતો. જોકે દર્શિલ શાહ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર છે અને અગાઉ પણ ક્રિપ્ટો કરન્સી કેસમાં પકડાઈ ચુક્યો હોવાની આશંકા છે. ત્યારે મુખ્ય સૂત્રધાર કેતન પટેલ ચાઈનીઝ સાયબર ઠગના સંપર્કમાં હતો. અલગ અલગ ઠગાઈના પૈસા ચાઈનીઝ ઠગ કેતન પટેલ દ્વારા બેન્ક ખાતમાં જમા કરાવીને છેતરપિંડી આચરતા હતા. કેતન ઠગાઈના પૈસાનું અમદાવાદમાં મેનેજમેન્ટ કરતો હોવાનું ખુલ્યું છે.

સાયબર ઠગાઈ કેસમાં ફીઝાન શેખ, રાજુ પરમાર, અમિત પટેલ, રાજુ સાંખત, દર્શન સેજલિયા, રાજેશ જાસોલિયા, વિકી પટેલ, દિલીપ જાગાણી, કિશોર પટેલ, અલકેશ પટેલ, દિપક રાદરિયા, દર્શીલ શાહ અને કેતન પટેલની ધરપકડ કરીને સાયબર ક્રાઇમએ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ આરોપીની પૂછપરછમાં સુરતના કેટલાક આરોપીઓના નામ ખુલતા સાયબર ક્રાઇમની ટીમે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે તમામ આરોપીઓ કમિશન પેટે પૈસા મળતાં હતાં. જોકે અત્યાર સુધી કેટલા પૈસા મેળવ્યા અને અન્ય કેટલા લોકો આ ટોળકીમાં સંડોવાયેલા છે જેને લઇ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.