November 15, 2024

ગુજરાતને માથે વધુ એક યશકલગી, ભારત સરકારે આપ્યો દિવ્યાંગો માટે શ્રેષ્ઠ કામગીરી કરવાનો પુરસ્કાર

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય ફરી એક વખત સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીય પુરસ્કાર હાંસલ કરનારું રાજ્ય બન્યું છે. ભારત સરકાર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વીજે રાજપૂતને રાજ્ય ક્ષેત્રમાં દિવ્યાંગજન અધિકાર અધિનિયમ હેઠળ સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા માટે ગુજરાત રાજ્યને પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડ માટે બિરાદવામાં આવ્યા છે. આ એવોર્ડ ગુજરાત રાજ્યને 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગતા દિવસના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે મળશે.

આગામી 3 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વિકલાંગતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવાઈની વાત એ છે કે, ગુજરાત રાજ્યમાં આ દિનની ઉજવણી કરવામાં આવતી નથી. પરંતુ ગુજરાત સરકાર હસ્તક ચાલતા દિવ્યાંગ માટે કમિશનર કચેરીના IAS અધિકારી વીજે રાજપૂતે દિવ્યાંગ માટેની કરેલી ઉત્તમ કામગીરી હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતની પસંદગી પ્રથમક્રમે કરવામાં આવી છે.

આગામી 3 ડિસેમ્બરે વિકલાંગતા દિવસે ગુજરાત રાજ્યને ઉત્તમ કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં જુદા જુદા પ્રકારના પુરસ્કારો દિવ્યાંગજનોને આપવામાં આવે છે. જેવા કે, સર્વશ્રેષ્ઠ દિવ્યાંગજન, શ્રેષ્ઠ દિવ્યાંગજન, શ્રેષ્ઠ દિવ્યાંગ બાલ-બાલિકા, દિવ્યાંગજનો માટે કામ કરતી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ, ડિસેબિલિટી સેક્ટરમાં શ્રેષ્ઠ પુનર્વસન વ્યવસાયિક, દિવ્યાંગતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સંશોધન/ઇનોવેશન/ઉત્પાદન વિકાસ, દિવ્યાંગજન સશક્તિકરણ માટે સર્વશ્રેષ્ઠ સંસ્થા, દિવ્યાંગજન માટે સર્વશ્રેષ્ઠ કાર્યો, દિવ્યાંગજન માટે સર્વશ્રેષ્ઠ પ્લેસમેન્ટ એજન્સી, સુગમ્ય ભારતના બંધનમુક્ત વાતાવરણના નિર્માણ માટે અમલીકરણ માટે શ્રેષ્ઠ રાજ્ય/યુ.ટી/જિલ્લા, દિવ્યાંગજનના અધિકારર અધિનિયમ/UDID અને અન્ય યોજનાઓ માટે સર્વશ્રેષ્ઠ રાજ્ય/યુ.ટી/જિલ્લો, રાજ્યક્ષેત્રમાં દિવ્યાંગજન અધિકાર અધિનિયમ હેઠળ સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય, પુનર્વસન સેવાઓ માટે વ્યાવસાયિકોને તાલીમ આપવા માટેની શ્રેષ્ઠ સંસ્થા. વિવિધ પ્રકારના પુરસ્કારો દિવ્યાંગ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા તેમજ દિવ્યાંગજનોને રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વીજે રાજપૂત(IAS) ન્યૂઝ કેપિટલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત દિવ્યાંગજન અધિકાર અધિનિયમ હેઠળ સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા માટે ગુજરાત રાજ્યને પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડ માટે બિરાદવામાં આવ્યા છે. આ ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશ્નર દ્વારા દિવ્યાંગ અધિકાર અધિનિયમ હેઠળ જાગૃતિ માટે મોબાઇલ કોર્ટનું આયોજન કર્યું છે. તેમજ અલગ અલગ સરકારી ભરતીમાં નોકરી માટેના કેસ ચલાવી હુકમ કર્યો છે. તેમજ સુગમ્ય ભારત હેઠળ અલગ અલગ કચેરી/બિલ્ડિંગોને સુગમ્ય બનાવવા હુકમ કર્યો છે. આમ તમામ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્યએ એવોર્ડ માટે નોમિનેશન કર્યું હતું, તેની ચકાસણી કરી શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્યને એવોર્ડ મળ્યો છે. જે દિવ્યાંગજનોને જાણ થતા તેમને પણ ખુશી અનુભવાઈ છે.

રાજ્યમાં વિકલાંગોને સમાન તક, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી ધારો-1995 અમલમાં હતો. તેમાં સુધારો કરી THE RIGHTS OF PERSONS WITH DISABILITIES ACT-2016ની કલમ-82 મુજબ ડિમ્ડ સિવિલ કોર્ટ જાહેર કરી છે. તે અંતર્ગત સરકારી કચેરીમાં દિવ્યાંગજનોને ન્યાય આપવા માટે કાર્યવાહી કરે છે. નોંધનીય છે કે, RPwD Act-2016ની કલમ-80 હેઠળ રાજ્ય દિવ્યાંગ કમિશનરના કાર્યો તથા ફરજોમાં રાજ્યમાં પ્રવર્તતા દિવ્યાંગજનોના કાયદા અથવા પોલિસી/પ્રોગ્રામ અને પ્રક્રિયાને આ કાયદા હેઠળ સુસંગત કરવા સુઓમોટો પોતાની રીતે અથવા કાયદામાં જોગવાઇ કરાવી સુધારાત્મક પગલા લેવાય છે.

દિવ્યાંગજનને પ્રવર્તમાન યોજનાથી થયેલા અન્યાય બાબતે અથવા તો અન્યાય ન થાય તે માટે રક્ષણ પૂરૂં પાડવું. આ માટે તપાસ અથવા સુઓમોટો (SUO MOTU) રીતે સંબંધિત સત્તાધિકારી સમક્ષ બાબત (Matter)રજૂ કરી સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આ સિવાય ‘ધ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016’ હેઠળ દર્શાવેલ ‘સેફ ગાર્ડ’ તેમજ અન્ય જોગવાઈઓનું પાલન કરાવવું તેમજ તેનો અસરકારક રીતે અમલ થાય તે અંગેના પગલાં લેવામાં આવે છે. આ કાયદા હેઠળ આવરી લીધેલા તમામ હક્કોનું સંવર્ધન થાય તેમજ આ હક્કોના લાભ દિવ્યાંગ વ્યકિત સુધી પહોચે તેના માટે નક્કર પગલાં તથા ભલામણો કરવાની હોય છે . જેથી દિવ્યાંગ લોકોને લાભ મળે છે.

દિવ્યાંગજનોના અધિકારો માટે જાગૃત્તિ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું તેમજ તેનું રક્ષણ કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે ‘ડીમ્ડ સિવિલ કોર્ટ’ તરીકે આ કચેરીને જાહેર કરેલ છે. જેથી દિવ્યાંગજનોને પ્રવેશ, ભરતી, ટ્રાન્સફર, અનામત અને દિવ્યાંગજનોના અધિકારોનો ભંગ થાય તેવા દરેક કિસ્સામાં અન્યાય સંબંધિત ફરિયાદો સ્વીકારવામાં આવે છે અને તે ફરિયાદોમાં કોર્ટ દ્વારા ઝડપી નિરાકરણ આપ્યા છે. RPwD એક્ટ, 2016ને કાર્યક્ષમ રીતે અમલમાં મૂકવા માટે આ કોર્ટ દ્વારા ગુજરાત સરકારના 23 વિભાગોમાંથી 13 વિભાગોને પક્ષકાર બનાવી સુઓમોટો કેસ દાખલ કરે છે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી, ગુજરાત દ્વારા વર્ષ 2022-23માં 407 તેમજ વર્ષ 2023-24માં 506 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ વ્યક્તિની સુવિધા માટે આ કોર્ટ ઓફલાઇન તેમજ ઓનલાઈન એમ બંને રીતે કેસોની સુનાવણી હાથ ધરે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કોર્ટ દ્વારા આવરી લેવામાં આવતા કેસો છે. આ ઉપરાંત રાજ્યમાં દિવ્યાંગજનો માટે દરેક યોજના અને ઉચ્ચ અભ્યાસમાં 5% રિઝર્વેશનને લગતા કેસ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ વગેરેની ભરતીઓમાં થયેલ અન્યાયને લગતા કેસોનો નિકાલ કરવામાં આવે છે.