December 17, 2024

ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ, નર્મદા-ભરૂચમાં મધરાતે ધોધમાર વરસાદ

gujarat weather update unseasonal rain narmada ahmedabad banaskantha

નર્મદામાં ભારે વરસાદ વરસ્યો

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે 3 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

નર્મદા જિલ્લાાના રાજપીપળામાં મધરાતે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજપીપળા સહિત જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સતત ગરમી બાદ વરસાદ તૂટી પડતા ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા બે દિવસથી રાજપીપળામાં બેવડી ઋતુનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કપાસ, તુવેર સહિતના અન્ય પાકોને નુકસાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભરૂચમાં કમોસમી વરસાદ
ભરૂચ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડી રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રેલવે સ્ટેશન, પંચબત્તી, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મહંમદપુરા, શક્તિનાથમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઠંડા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

દાહોદમાં ભારે કમોસમી વરસાદ
દાહોદમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ હતો. જિલ્લાના ફતેપુરા, સંજેલી, સુખસર, ઝાલોદ તાલુકા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો થયો છે. કમોસમી વરસાદને લઈ ઘઉં, મકાઈ, ચણાના પાકને નુકસાન થઈ શકે છે.

સાણંદ કરા સાથે વરસાદ
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સાણંદ તાલુકાના ઝોલપુર ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થશે.

અમદાવાદમાં પણ વરસાદી માહોલ
તો બીજી તરફ, અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેરમાં વસ્ત્રાપુર, માનસી સર્કલ, થલતેજ, ગોતા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ
ધાનેરા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે સમગ્ર શહેરમાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ધાનેરાની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે વડગામ તાલુકાના મેમદપુરા ગામે વીજળી પડવાની ઘટના બની હતી. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવક મોગાજી ઠાકોરનું મોત નીપજ્યું છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આજે પણ ગુજરાતના ઘણાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત્ છે. ત્યારે આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

ક્યાં ક્યાં વરસાદ પડવાની શક્યતા?
ત્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલથી તાપમાનમાં ફેરફાર થશે. લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવનો ફૂંકાશે. રાજ્યમાં પવનનો ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહે છે. આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.