January 6, 2025

હવામાન વિભાગની આગાહી – બે દિવસ વરસાદ બાદ હીટવેવની શક્યતા

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલી સાયક્લોનિક અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘વરસાદ અને હીટવેવ પડે તેવી શક્યતાઓ છે. આગામી બે દિવસ સામાન્ય વરસાદની શક્યતા પણ છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં થન્ડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુરમાં થન્ડર સ્ટોર્મ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.’

આ પણ વાંચોઃ ગુજરાતમાં કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન નિષ્ણાંતોની આગાહી

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ‘આગામી 3 દિવસ હિટવેવ પડે તેવી શક્યતા છે. રાજ્યના વલસાડ, સુરત, પોરબંદર, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છમાં હીટવેવ રહે તેવી શક્યતા છે.’

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
વૈજ્ઞાનિક ઢબે અનુમાન કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે જુલાઈ મહિનામાં લા-નીનો સ્થાપિત થશે એટલે વર્ષ સારૂં જશે. બંગાળના ઉપસાગર અને હિંદ મહાસાગરમાં હાલની સિસ્ટમ ચોમાસા માટે સાનૂકુળ છે એટલે 1 જૂન આસપાસ દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી જશે. ગુજરાતમાં 15 જૂનના બદલે વહેલું ચોમાસું બેસી જાય તેવી સંભાવના છે. જૂન મહિનામાં બેથી ત્રણ તબક્કામાં વાવણી થાય તેવો વરસાદ રહેશે. ત્યારબાદ 15 દિવસ વરસાદ વિરામ લેશે અને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ થશે. જુલાઈ અથવા ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે. નવરાત્રી સુધી વરસાદ રહેશે અને સરેરાશ 98થી 108 ટકા જેવો વરસાદ થવાની સંભાવના છે.