January 18, 2025

10 કલાકમાં 100 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ

અમદાવાદઃ રાજ્યમાં 10 કલાકમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે 16 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે સુરતના પલસાણામાં સૌથી વધુ સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના ખેરગામ અને બોટાદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મેઘરાજાની જમાવટથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન
નવસારીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે લુન્સીકુઈ, ઇટાળવા, તીધરા રોડ, કબીરપોર, જમાલપોર જેલા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં બેટિંગ, મોટાભાગના જિલ્લામાં વરસાદ

સુરત જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લાના કામરેજ, પલસાણા, બારડોલી તાલુકામાં વરસાદ વરસ્યો છે. અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કડોદરા, કરણ, પલસાણા, તાતીથૈયા, કામરેજ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ઉચ્છલ-નિઝર હાઇવે પર વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નિઝર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે.