December 19, 2024

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, 4 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ

અમદાવાદઃ બપોર બાદ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે, ֥‘કેટલાક જિલ્લાઓમાં ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.’

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્યારબાદ આવતીકાલે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ભાવનગર, ભરુચ, સુરત જિલ્લામાં વરસાદ પડે તેવી સંભાવના છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘15 મેએ બનાસકાંઠા, ગીર સોમનાથ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 16 મેના દિવસે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.’

તેઓ આગળ કહે છે કે, બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે. બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.’