ડાંગમાં વાતાવરણ પલટાયું, કમોસમી વરસાદને કારણે હાજા ગગડાવતી ઠંડીનો ચમકારો
ડાંગઃ ગુજરાતમાં હાલ જોરદાર ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. ત્યારે અનેક જિલ્લામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. પરંતુ ડાંગ જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગિરિમથક સાપુતારામાં વાતાવરણ પલટાયું છે. આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે.
વાદળો ઘેરાતા ઠંડીનો ચમકારો વધી ગયો છે. તાપમાન ગગડતા ઠંડીને પગલે રસ્તાઓ સૂમસામ બની ગયા છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શીત લહેરને પગલે પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે.
વલસાડમાં પણ વરસાદી માહોલ
વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધરમપુર તાલુકાના આવધા, રાજપુરી, ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગે જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.