December 22, 2024

ડાંગમાં બરફનાં કરા સાથે વરસાદ, દાહોદમાં પણ સર્ક્યુલેશનની અસર

ડાંગઃ દક્ષિણ ગુજરાતમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. તેને પગલે ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે દાહોદમાં પણ ઢળતી સાંજે આકરા તાપ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં સમી સાંજે અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે વરસાદ ખાબક્યો હતો. સાપુતારા, શામગહાન સહિત આસપાસના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બરફનાં કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને તૈયાર પાક નિષ્ફળ જાય તેની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ, સાપુતારામાં ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી – આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા

દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઢળતી સાંજે આકરા તાપ વચ્ચે વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ધૂળના વંટોળ જોવા મળ્યા હતા. જ્યારે બપોરે ગરમી વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે દાહોદમાં કમોસમી વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે રાહતભરી આગાહી કરી છે. જેમાં આગામી 6 દિવસમાં રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. તેને કારણે તાપમાન ઉંચુ જાય તેવી શક્યતા નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાશે.’ વરસાદની આગાહી વિશે વાત કરતા તેઓ કહે છે કે, ‘ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ વરસવાની શક્યતા છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે.’