December 29, 2024

હવામાન વિભાગની વધુ એક આગાહી, હીટવેવ સાથે કમોસમી વરસાદ વરસશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે કમોસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે કે, આગામી દિવસોમાં હીટવેવ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં હીટવેવ થવાની શક્યતા છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની પાર જશે. રાજ્યના સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીની પાર જાય તેવી શક્યતા છે.’

આ પણ વાંચોઃ નર્મદા કિનારે વસતું આ ગામ પાણીથી તરસ્યું! તંત્રના આંખ આડા કાન

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘આગામી ત્રણ દિવસ સુધી વલસાડ અને સુરતમાં પણ હીટવેવની આગાહી છે. પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવે છે.’

કમોસમી વરસાદ વિશે માહિતી આપતા હવામાન વિભાગ કહે છે કે, ‘સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. તેને પગલે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 31મી મેના દિવસે ચોમાસુ કેરળમાં અને 15મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે.’