ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે – હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે તેને પગલે સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આશંકા છે. હાલના તાપમાન વિશે વાત કરવામાં આવે તો, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું છે.
તો બીજી તરફ, રાજકોટમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું છે. તો ડીસામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં તાપમાન 13-14 ડિગ્રી આસપાસ નોંધાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. પવનની ગતિ 05થી 10 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે.