January 9, 2025

રાજ્યમાં ફરી એકવાર શિયાળો જામ્યો, નલિયામાં 3 ડિગ્રી તાપમાન

અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર શિયાળો જામ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાત જોરદાર ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં 24 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. બે દિવસમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર રહેશે. નલિયામાં 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દાહોદમાં સિઝનનું સૌથી નીચું 8.71 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 9.2 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે.

મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માયનસ 0.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા આબુ પહોંચ્યા છે. નકી લેકના પાણીમાં અને ગાડીઓ ઉપર બરફની ચાદરો જામ્યો છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી છે. કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે લોકો તાપણી કરીને ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે.