December 16, 2024

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળો બરાબર જામી ગયો છે. ત્યારે મોટાભાગના જિલ્લામાં ઠંડીનો જબરદસ્ત ચમકારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘16થી 24 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી છાંટા પડે તેવી શક્યતા છે. 16 ડિસેમ્બરથી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનેલું છે, તેની ગતિવિધિનાં કારણે દક્ષિણ-પૂર્વીય ભાગો પર ભારે વરસાદની શકયતા છે. તેને લીધે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.’

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ‘આગમી 23 અને 24 ડિસેમ્બરે એક મધ્ય કક્ષાનું પશ્ચિમી વિક્ષેપ આવવાનું છે. જેના કારણે 25 અને 26 ડિસેમ્બરના દિવસે હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. 28 ડિસેમ્બરથી જાન્યુયારીની શરૂઆત સુધીમાં રાજ્યમાં ક્યાંક વરસાદી છાંટા થઈ શકે. આગમી 3થી 4 જાન્યુયારી વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે.’

તેઓ કહે છે કે, ‘ઉત્તરાયણ પછી વાતાવરણમાં પલટો આવશે. જેમાં ઉત્તર ભારતમાં ભારે પવન, કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કરા સહિત હિમવર્ષા થઈ શકે છે. તેની અસર ગુજરાત પર જોવા મળશે. ગુજરાતનું હવામાન પણ જાન્યુયારીના અંત સુધી પલટાઈ શકે છે. જાન્યુયારી માસમાં હાડ થીજવતી ઠંડી જોવા મળશે.’