હવામાન વિભાગની આગાહી, આવતીકાલે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી મધ્ય ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખુચણાક દેખાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગેની નવી આગાહી જાહેર કરી છે. જેમાં આગામી સમયમાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજા વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતુ કે, ‘આવતીકાલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.’ ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ બાદ રાજ્યમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે.
7 દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનોની દિશાના કારણે ગરમીમાં વધારો થાય તેવી શક્યતા છે. હાલ જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પશ્ચિમી છે, જો પશ્ચિમ-દક્ષિણી પવન હોય તો વરસાદી સિસ્ટમ બને છે.