January 15, 2025

ગુજરાતમાં ઉત્તરાયણે પતંગના દોરાથી અનેક જિંદગી થંભી, બે બાળકો સહિત 6 લોકોનાં કરૂણ મોત

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, તો બીજી તરફ માંજાની મજાએ ઘણાં નિર્દોષોને સજા આપી છે. ઉત્તરાયણના પર્વ પર રાજ્યમાં અનેક એવી ઘટના બની છે, જ્યાં પતંગની જીવલેણ દોરીને લીધે લોકોનાં ગળા કપાયા છે અને કેટલાક લોકોએ અમૂલ્ય જિંદગી પણ ગુમાવવી પડી છે.

મહેસાણામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જીવલેણ બનતાં બે લોકોના જીવ લઈ લીધા છે, તો કડીમાં મલેક ફરહાન ઇસ્માઇલભાઇ તેમજ વડનગરના માનસંગજી રજુજી ઠાકોરનું મૃત્યુ નીપજ્યું છે. રાજકોટમાં પણ જીવલેણ દોરીએ બે જિંદગીનો ભોગ લીધો છે. રાજકોટના કુવાડવા રોડ પર પતંગની દોરીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ બાઇકચાલક રસ્તા પરથી પસાર રહ્યો હતો તે સમયે થયો દોરી વાગતા મૃત્યુ નીપજ્યું છે. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે પણ પતંગની દોરી ગળામાં ફસાતા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે.

પંચમહાલ અને આણંદમાં પણ પતંગની ઘાતક દોરીએ કહેર વર્તાવ્યો છે. હાલોલના રાહતળાવ ગામે પતંગની દોરીની ગળું કપાતા પાંચ વર્ષીય બાળકનું મોત થયું છે. પિતા સાથે બાઈક પર બેસીને જતી વખતે પાંચ વર્ષીય કૃણાલ મોતને ભેટ્યો છે. આ ઉપરાંત આણંદના સુંદણ ગામે 11 વર્ષીય બાળકને પતંગ પકડવી ભારે પડી છે. પતંગ પકડવા જતા 11 વર્ષીય બાળકને વીજ કરંટ લાગ્યો હતો. ખેતરની ફેન્સિંગમાં ભરાયેલી પતંગ કાઢવા જતા આ બાળકને કરંટ લાગ્યો હતો અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ખેતરની ફેન્સિંગમાં ઝાટકા મશીનથી કરંટ મૂકવામાં આવ્યો હતો અને તે બાળક માટે જીવલેણ સાબિત થયો હતો.