May 19, 2024

ગુજરાત યુનિવર્સિટીના તમામ વિદેશી વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ખસેડશે

Gujarat University all nri students shift to another hostel

ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા વિવાદ બાદ હવે તમામ NRI સ્ટુડન્ટ્સને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના હુમલા બાદ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં મોકવામાં આવશે.

આગામી 3 દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત 5 માળની હોસ્ટેલ છે. જેમાં એક ફ્લોર પર આશરે 20 જેટલા રૂમ્સ આવેલા છે. ગુરુવાર સુધીમાં તમામ વિદેશી વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવશે.

પોલીસ કડક કાર્યવાહી કરશેઃ કમિશનર
ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મામલે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યુ હતુ કે, ‘ગુજરાત યુનિવર્સિટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. તેના એ બ્લોકમાં 75 વિદ્યાર્થીઓ રહે છે. તે રાતના સમયે નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે 20-25 વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી-મારામારી કરી હતી. આ ઉપરાંત રૂમમાં તોડફોડ પણ કરી છે. અમને કંટ્રોલ રૂમમાં ફોન આવતાંની પાંચ મિનીટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.’ તેઓ કાર્યવાહી અંગે જણાવે છે કે, ‘હાલ આ મામલે કાર્યવાહી કરવા માટે 9 ટીમ બનાવવામાં આવી છે. જેમાં 5 ડીસીપીની ટીમ 4 ક્રાઇમની બ્રાન્ચની ટીમ સામેલ છે. હાલ એક આરોપીની ઓળખ કરવામાં આવી છે. સાંજે કાર્યવાહી બાદ તેની ધરપકડ પણ કરવામાં આવશે. આ આરોપી કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે. પોલીસ તમામ વીડિયોની તપાસ કરશે અને તેને આધારે પણ કાર્યવાહી કરશે. આ મામલે રાતે જ સિક્યોરિટીએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’

શું હતો સમગ્ર મામલો?
ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોક કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આફ્રિકા અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસમાં અજાણ્યા ટોળાએ આવીને વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ પથ્થર મારતા સામે ટોળાએ પણ પથ્થરમારો કર્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે. કટ્ટર અસામાજિક તત્વોના ટોળાએ વિદ્યાર્થીઓના વ્હિકલમાં તોડફોડ પણ કરી હતી. આ ઉપરાંત હોસ્ટેલના રૂમમાં પણ તોડફોડ કરવામાં આવી છે.