December 19, 2024

ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન-ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર પથ્થરમારો

Gujarat university afghanistan uzbekistan student pathharmaro stone pelting

ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારાની ઘટના બની હતી.

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. ત્યારે એ-બ્લોકના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, અફગાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસમાં અજાણ્યા ટોળાએ આવીને વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીએ પથ્થર મારતા સામે ટોળાએ પણ પથ્થરમારો કર્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

નમાઝ અદા કરતા હતા ત્યારે હુમલો કર્યોઃ ગ્યાસુદ્દીન
આ મામલે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના જણાવ્યા પ્રમાણે, જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા, ત્યારે કેટલાક કટ્ટર અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમના પર પથ્થરમારો કર્યો હતો અને તેમના રૂમમાં તોડફોડ સહિત લૂંટબાજી કરી હતી. ત્યારે આ તમામ મામલે 6 કલાક વીતી ગયા હોવા છતાં માત્ર ચોકીદારની ફરિયાદ લેવામાં આવી છે, વિદેશી વિદ્યાર્થીઓની ફરિયાદ લેવામાં આવી નથી. ત્યારે આ વિદ્યાર્થીઓની ફરિયાદ લેવામાં આવે અને ન્યાય અપાવવામાં આવે.

આ ઉપરાંત તેઓ ચીમકી ઉચ્ચારતા કહે છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું. અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ ઉપરાંત અમે મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રીને આ મામલે અરજી કરીને તેમનું ધ્યાન દોરીશું.

ધારાસભ્યનો પોલીસ પર આક્ષેપ
આ મામલે નેતા ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતુ કે, ‘ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી અને તેની હાજરીમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો. ત્યારે પોલીસે ધરપકડ કરવાની જગ્યાએ તેમને સન્માનભેર જવા દીધા, ધરપકડ ના કરી. અમારી માગ છે કે, એ તમામ વીડિયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ. તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ.’

હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે હર્ષ સંઘવીએ સુરત જવાનું ટાળ્યું છે.