January 16, 2025

હવે યુનિવર્સિટીઓમાં પણ ફી નક્કી કરવા FRCની રચના થશે

અમિત રુપાપરા, સુરતઃ રાજ્યની શાળાઓની માફક હવે યુનિવર્સિટીઓમાં પણ FRCની રચના કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. હમણાં સુધી યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની ફી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવી નહોતી. જે અભ્યાસક્રમોની ફી નક્કી કરવા કોમન યુનિવર્સિટી એક્ટમાં જાહેર કરાયેલા સ્ટેચ્યૂટમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફી રેગ્યુલેટરી કમિટી બનાવવા જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે હવે VNSGU દ્વારા પણ FRCની રચના કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં પણ હવે FRCની રચમાં કરવાના આવશે. હમણાં સુધી રાજ્યની શાળાઓમાં ફી નક્કી કરવા માત્ર FRCની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્યની યુનિવર્સીટીઓમાં પણ FRCની રચના કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શાળાની માફક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એફઆરસીની રચના થશે. ફી વસૂલવા અંગે યુનિવર્સિટીની કમિટી નક્કી કરશે. અગાઉ પણ એફઆરસીની રચના માટે પ્રપોઝલ તૈયાર કરાઈ હતી. કોમન યુનિવર્સિટી એક્ટમાં જાહેર કરાયેલા સ્ટેચ્યુટમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસક્રમોમાં ફી નક્કી કરવા માટે ફ્રી રેગ્યુલેટરી કમિટી બનાવવા જોગવાઈ છે.

જેના પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યોની નિમણૂક થયા બાદ એફઆરસીની રચના કરવામાં આવશે. જેમાં સાત સભ્યોની નિમણૂક કરવામાં આવશે. જેમાં યુનિવર્સિટીના કુલપતિ ચેરમેન રહેશે. રાજ્યમાં શાળાઓ અને ટેકનિકલ એજ્યુકેશન સંસ્થાઓમાં એફઆરસી દ્વારા ફી નક્કી કરાતી હોય છે. જ્યાં સાત સભ્યોમાં હાઇકોર્ટના પૂર્વ જજ, સીએ સહિતના સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ FRCની રચના કરવા પાછળનો મૂળ હેતુ યુનિવર્સીટીમાં ચાલતા અલગ અલગ અભ્યાસ ક્રમોની ફી નક્કી કરવાનો છે.