September 19, 2024

સુરતના ખેડૂત સમાજમાં આક્રોશ, હાઇટેન્શન લાઇન નાંખવાનો વિરોધ

સુરતઃ ગુજરાતના ખેડૂત સમાજ અને સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પલસાણા તાલુકામાંથી પાવર ગ્રીડની 765 કિલોવોટની હાઇટેન્શન લાઇન નાંખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે મામલતદાર અને ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી. પરંતુ મોડી રાત્રે વહીવટી તંત્રના અધિકારીઓએ મિટિંગ કરવા બોલાવ્યા હતા. મિટિંગ કરવાના બહાને પાવર ગ્રીડના અધિકારીઓએ સર્વે કર્યો હોવાના આક્ષેપ કર્યો છે.

અધિકારીઓએ સરવે કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બારડોલી હજીરા રોડ પર બેસીને ખેડૂતોએ રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો છે. 25 મિનિટ સુધી હાઇવે પર વિરોધ નોંધાવતા ટ્રાફિકજામ થયો હતો. તેને કારણે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખેડૂતોને રોડ પરથી હટાવીને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો. પલસાણા સ્થાનિક પોલીસ સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.