December 22, 2024

ગુજરાત સ્ટોન ક્વોરી ઉદ્યોગના કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈને હડતાળ

તાપીઃ ગુજરાત સ્ટોન ક્વોરી ઉદ્યોગ આજથી બંધ થતા વિકાસના કામ પર અસર પડવાના એંધાણ સર્જાયા છે. જેમાં ક્વોરી ઉદ્યોગ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈ આજથી હડતાળ કરવામાં આવી છે.

તાપી જિલ્લા સહિત રાજ્યમાં ક્વોરી સાથે સંકળાયેલા ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં તેમની અલગ અલગ માગણીઓને લઈને હડતાળ પર જતા વિકાસના કામ બંધ થયા છે. ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરીના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, દ્વારકામાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ક્વોરી ઉદ્યોગકારોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંતર્ગત આજથી ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઈસીના કારણે 60 ટકા ક્વોરી બંધ કરાવવામાં આવી છે. જેના ટેકામાં ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતરી ગયા છે.

તેમની માગ છે કે, ગૌણ ખનિજમાં ઈસી નહીં હોવી જોઈએ અને સરકારમાં લેખિતમાં જે મુદ્દા આપવામાં આવ્યા છે, એ મુદ્દાનો ઉકેલ લાવવાની બાંહેધરી સરકાર લેખિતમાં આપે જેમાં રોયલ્ટીની વિસંગતા દૂર કરવા જેવા કેટલાક પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. આ માગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ પર રહેવા જણાવ્યું છે.