January 22, 2025

ગુજરાતના ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, ભાવનગરના રાજા વિજયરાજસિંહજી ગોહિલ પ્રમુખ

અમદાવાદઃ ફરી એકવાર ગુજરાતના ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કર્યું છે. અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલને વિજય મુહૂર્ત એટલે કે 12.39 વાગ્યે તિલક કરીને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.

આ અસ્મિતા મંચના કાર્યક્રારી પ્રમુખ તરીકે દાંતા સ્ટેટના રિદ્ધિરાજસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતુ કે, ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલનું સ્ટેચ્યૂ છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ શા માટે છે એ આપણે જાણવું જોઈએ. કૃષ્ણકુમાર મહારાજ સરદાર પટેલની સાથે રહ્યા હતા એટલે આપણે યુનિયનમાં રહ્યા અને ડિવાઈડ ન થયા છતાં આજે ક્યાંય કૃષ્ણકુમાર મહારાજની પ્રતિમા કે સ્ટેચ્યૂ નથી જોવા મળતું. કૃષ્ણકુમારસિંહજી સાથે હતા એટલે સરદાર પટેલનું સ્ટેચ્યૂ બન્યું છે. કૃષ્ણકુમારસિંહજી કોઈ રાજકીય નેતા ન હતા તેથી તેમનું કોઈ સ્ટેચ્યૂ કે પ્રતિમા નથી બની. ભારત રત્ન એવોર્ડ કૃષ્ણકુમારસિંહજીને મળે તેવી અમારી માગ છે.’

આ કાર્યક્રમમાં દેશને પહેલું રજવાડું આપનારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન આપવા માટેનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે.

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ

પ્રમુખ – વિજયરાજસિંહ ગોહિલ, ભાવનગર
કાર્યકારી પ્રમુખ – રિદ્ધિરાજસિંહ પરમાર, દાંતા સ્ટેટ
ઉપાધ્યક્ષ – પૂંજાબાપુ વાળા (કાઠી સમાજના આગેવાન)
ઉપાધ્યક્ષ – જેસીંગભાઈ ભગત, માંગરોળ (કારડીયા સમાજના આગેવાન)
ઉપાધ્યક્ષ – પૂનમજી ઠાકોર (ઠાકોર સમાજના આગેવાન)

આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ‘સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નહીં મળતો. સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય. સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી છે. ક્ષત્રિય સમાજની 19 ટકા વસ્તી હોવા છતાં માત્ર બે જ મુખ્યમંત્રી મળ્યા છે. ક્ષત્રિય સમાજ એક થવો ખૂબ જ જરૂરી છે. ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી છે.’

આ પ્રસંગે પ્રમુખ અને ભાવનગરના રાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, ‘આજ રોજ ખૂબ ખુશીની લાગણી છે. ગુજરાતમાં ઘણા બધા સંગઠનો હાલ જોવા મળી રહ્યા છે. બધા નાના નાના સંગઠનો ભેગા થઈને એક થઈશું. આ સંગઠનને રાજકરણ સાથે કોઈ લેવા દેવા નથી. દરેક લોકોની લાગણી છે કે મારા દાદાને ભારત રત્ન મળે. ભારત રત્ન માટે આજે સમાજમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારમાં અનેક હોદ્દા મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવશે. ભગવાનને પૂજવામાં આવે તેમ મારા દાદાને ભાવનગરમાં પૂજવામાં આવે છે. દરેક લોકોના ઘરમાં કૃષ્ણકુમારસિંહજીનો ફોટો હાલમાં જોવા મળે છે. રાજકારણમાં જે લોકોને કોઈ પણ પક્ષમાં જવું હોય તે જઈ શકે છે તેમાં કોઈ રાજકરણ ના હોય.’