December 28, 2024

રાજ્યમાં 67 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 86 ટકાથી વધુ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યમાં 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વધુ વરસાદ થયો છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 9 ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં ચાલુ ઋતુમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 9 ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં 6-6 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં 5-5 ઇંચ, જ્યારે વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં 4-4 ઇંચ તથા ઉમરગામ, તિલકવાડા, અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારેની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 86 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 48 ટકાથી વધુ કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.