January 24, 2025

છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં સવા 3 ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 74 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના તલોદ તાલુકામાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ માઝા મૂકી છે. જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, લોઠપુર, વઢેરા, કડીયાળી ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ કોસ્ટલ બેલ્ટ પંથકને મેઘરાજા ઘમરોળી રહ્યા છે.

ગીર-સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર-ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉના શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર કેસરિયા, ખાપટ, વડલીયાળાી વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસે છે. ગીર ગઢડાના કોદીયા જરગલી ધોકડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. થોડા દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.