January 18, 2025

Vadodara, Rajkot સહિત દક્ષિણ Gujaratમાં વરસાદી માહોલ છવાયો

અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલથી જ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. ત્યારે સતત બીજા દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે શહેરીજનોને અસહ્ય બફારાથી રાહત મળી હતી.

વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ, વાપી તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. વલસાડ તેમજ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ ખાબક્યો હતો. ધરમપુરમાં વરસાદ ખાબકતા કેરીના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કેરીનો મબલખ પાક માર્કેટમાં આવ્યો ને વરસાદ શરુ થતા પલળી ગયો હતો. ત્યારે તાત્કાલિક કેરી ભરેલા વાહનો પર તાડપત્રી બાંધવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે પહેલા જ વરસાદમાં તિલકવાડા તાલુકામાં તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા. ભારે પવન સાથે વરસાદ પડતા ઘણાં વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારમાં વીજળીના થાંભલા પડતા અંધારપટ છવાઈ ગયો હતો. લીમડાનું મસમોટું વૃક્ષ બે મકાન પર પડતા ભારે નુકસાન થયું હતું. વાવાઝોડાને કારણે શાળાના પતરાં પણ ઉડ્યા હતા. શાળાઓની શરૂઆત થતાં જ છત વાવાઝોડામાં ઉડી ગઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાઓને પગલે મુખ્ય માર્ગો સહિતના રસ્તા બંધ થયા હતા. તેને કારણે તંત્ર કામે કામગીરીએ લાગી પડ્યું હતું.

બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયો છે. અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. બાબરા પંથકમાં બે કલાકમાં બેથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બાબરાના ત્રાબોડા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ત્યારે ત્રંબોડા નજીક આવેલી નદીમાં બોલેરો તણાઈ ગઈ હતી. બોલેરો કારમાં ત્રણ વ્યક્તિ સવાર હોવાની માહિતી મળી હતી. ત્યારે તણાયેલી બોલેરો ગામથી 1200 ફૂટ દૂર મળી આવી હતી. સ્થાનિકોએ વહિવટી તંત્રને જાણ કરતા પોલીસ તથા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેને લઈને ગાડીમાં સવાર મુસાફરો અંગે પોલીસ તથા ફાયરની ટીમે તપાસ શરૂ કરી હતી. તો ફાયરવિભાગે પણ હાલ રેસક્યુ હાથ ધર્યું હતું.

રાજકોટના ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી વાસાવડની વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ હતી. આ ઉપરાંત વવડી, ચમારડીમાં વરસાદને લીધે નદી બે કાંઠે વહેતી થઈ હતી.

વડોદરા શહેરમાં પણ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે શહેરના વારસિયા વિસ્તારમાં જૂની હવેલી ભાવ શીંધે મંદિરનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઉલ્લેખનીય છે કે, પાલિકાએ શહેરની અનેક જૂની જર્જરિત ઈમારતોને નોટિસ આપી હતી, તે છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. શહેરમાં હજી પણ આવી અનેક જર્જરિત મિલ્કતો ઊભી છે.